ડ્રેનેજના કામના 1 વર્ષ બાદ રોડનું પેચવર્ક કર્યું, કોન્ટ્રાક્ટરો સામે પાલિકાનું તંત્ર લાચાર
શહેરમાં કોન્ટ્રાક્ટરો તેમની મનમાની કરતા હોવાના અનેક કિસ્સાઓ છાશવારે સપાટી પર આવ્યા છે.
ત્યારે વધુ એક કિસ્સો આવતા પાલિકાનું તંત્ર કોન્ટ્રાક્ટરો સામે લાચાર હોવાનું જણાઈ આવ્યું છે.
એક વર્ષ અગાઉ ડભોઇ રોડ પર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરાઈ હતી.
કામગીરી પૂર્ણ કર્યાના એક વર્ષ બાદ હવે ગુરુવારે આ રોડ પર પેચ વર્કની કામગીરી કરવામાં આવી છે.
શહેરના ડભોઇ રોડ પર 1 વર્ષ અગાઉ સોમાતળાવથી યમુના મિલ સુધી 1200 મીટર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી.
તે સમયે રોડને ખોદી ડ્રેનેજ લાઈનનું નેટવર્ક નાખવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ ગણતરીના દિવસોમાં જ ખાડા પુરી તેનું પેચ વર્ક કરવામાં આવતું હોય છે.
પરંતુ આ એક અનોખો કિસ્સો છે.
જેમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર એક વર્ષ પછી જાગ્યું છે.
એક વર્ષ અગાઉ કરેલી કામગીરી બાદ ગુરુવારે સવારથી ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અગાઉ સ્થાનિક લોકો અને કાઉન્સિલરોએ અનેક વાર રજૂઆત કરી હતી.
તેમ છતાં હવે એક વર્ષ બાદ રોડ બનાવવાના કામનું મુહૂર્ત નીકળ્યું છે.