વડોદરાના ભરચક નવા બજારમાં કપડાંના 4 માળના શો-રૂમમાં આગ, દીવાળીની ખરીદી કરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી

વડોદરા શહેરના નવા બજારમાં આવેલા તૈયાર કપડાના ચાર માળના શો-રૂમના ત્રીજા અને ચોથા માળે આજે બપોરે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.
દીવાળીની ખરીદી કરવા માટે નવા બજારમાં આવેલા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
જોકે, આગ વધુ પ્રસરે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી
અને ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.
આગ ઉપર કાબૂ મેળવાતા નવા બજારના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
ધૂમાડા નીકળતા વેપારીઓ દુકાનોની બહાર આવી ગયા
નવા બજારમાં આવેલા 210 નંબરની ખંડેલવાલ કપડાનો શો-રૂમ આવેલો છે.
આ શો-રૂમના માલિક અમિતભાઇ ખંડેલવાલ છે.
આજે બપોરે શો-રૂમના ત્રીજા અને ચોથા માળે આગે દેખા દીધી હતી.
આગના ધૂમાડા નીકળવાનું શરૂ થતાં શો-રૂમના કર્મચારીઓ શો-રૂમની બહાર દોડી આવ્યા હતા.
તે સાથે આજુ-બાજુમાં આવેલી દુકાનોના સંચાલકો અને કર્મચારીઓ પણ દુકાનની બહાર દોડી આવ્યા હતા.
જોત જોતામાં શો-રૂમના ત્રીજા માળેથી આગની જ્વાળાઓ બહાર આવવાનું શરૂ થતાં નવા બજારમાં હાહાકાર મચી ગયો હતો. અને લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.
નવા બજારનો વીજ પુરવઠો બંધ કરાયો
બીજી બાજુ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા
અને પાણી મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.
આગ કાબૂમાં આવતા નવા બજારના વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
બીજી બાજુ આ બનાવની જાણ જીબીને કરવામાં આવતા જીઇબીની ટીમ પણ દોડી આવી હતી
અને સમગ્ર નવા બજારનો વીજ પુરવઠો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દીધો હતો.
તે સાથે સિટી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા
અને નવા બજારમાં આવતા તમામ રસ્તાઓ સાવચેતીના ભાગરૂપે સામાન્ય લોકો માટે બંધ કરી દીધો હતો.
આગ વધુ પ્રસરતા અટકી ગઇ
વડોદરા ફાયર બ્રિગેડના લાશ્કરોના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પરંતુ અંદાજે રૂપિયા 40 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
આ આગની ઘટના શોર્ટ સર્કિટ થવાના કારણે થઈ હોવાનું પણ અનુમાન લગાવ્યું હતું.
ઉલ્લેખનીય બાબત એ છે કે, નવા બજાર તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ખરીદવા માટેનું મોટું બજાર છે.
હાલ દિવાળીનો તહેવારો નજીક હોવાથી દીવાળીની ખરીદી કરવા માટે લોકોની સવારથી મોડી રાત સુધી ભીડ રહે છે.
આ બનાવે લોકોમાં ભારે ગભરાટ ફેલાવી દીધો હતો.
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અને ફાયર બ્રિગેડ દ્વારા ગણતરીના કલાકોમાં આગ ઉપર કાબૂ મેળવી લેતા આગ વધુ પ્રસરતા અટકી ગઇ હતી.