ઘરમાં ટુવાલ પહેરી ફરતા ઉદ્યોગપતિ સસરા, ફોન પર મહિલાઓ સાથે વાતો કરતા પતિ અને સરપંચ સાસુએ પરિણીતાને કાઢી મૂકી

મારો પુત્ર બીજી દશને લઈને ફરશે, ના ફાવતું હોય તો છૂટાછેડા આપી દે, આમ પણ તું વાંઝિયણ છે,
દહેજમાં કશું લાવી નથી, એમ કહી સાસરિયાં ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢી હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાઇ છે.
સાસુ સરપંચ છે અને સસરા અને પતિ વાઘોડિયા જીઆઇડીસીમાં કંપની ચલાવી જમીનોનું લે-વેચનું કામ કરે છે.
દહેજ ભૂખ્યા સાસરિયાઓએ લાંબા સમય સુધી પરિણીતાને ઘરની પાછળ પતરાની ઓરડીમાં રહેવા ફરજ પાડી યાતના આપી હતી.
ફરિયાદમાં જણાવ્યું છે કે, સસરા ઘરમાં ટુવાલ પહેરીને દારૂના નશામાં ફરતા અને અપશબ્દો બોલતા હતા.
વાઘોડિયા પ્રણામી ફળિયામાં રહેતા પતિ બિપીન નગીનભાઈ વણકર, સાસુ લક્ષ્મીબેન, સસરા નગીનભાઈ, દિયર વિજય, દેરાણી રવિનાબેન દ્વારા લગ્ન બાદ સતત હેરાનગતિ કરાતી હતી.
જમવાનું બનાવવા મુદ્દે ઝઘડો કરી ઘરના દરેક કામમાં વાંક કાઢી હેરાન કરતાં હતાં.
મહિલાને જમવાનું પણ ન આપી ભૂખી રાખતાં હતાં.
ઘરની પાછળ બનેલી પતરાની ઓરડીમાં સૂવાની ફરજ પાડતા હતા.
પતિ હંમેશાં ફોન પર અન્ય સ્ત્રીઓ જોડે વાતો કર્યા કરતો હતો.
આ અંગેની રજૂઆત સરપંચ સાસુને કરતાં તેમણે મારો પુત્ર બીજી દશને લઈને ફરશે એવો જવાબ આપ્યો હતો.
સાસુ વાઘોડિયાનાં સરપંચ હોવાથી રાજકીય વગ હોવાનું જણાવ્યું છે.
લાંબા સમય સુધી સાસરિયાંનું વર્તન નહિ બદલાતાં માતા-પિતાને જાણ કરતાં ઘરે આવ્યાં હતાં.
જ્યાં માતા-પિતાની હાજરીમાં અપશબ્દો બોલી મહિલાને ઘરની બહાર કાઢી મૂકી હતી.
પરિણીતાએ પિતાના ઘરે આવી સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે દહેજ પ્રતિબંધ સહિતના ગુના નોંધી ઝડપવાની કાર્યવાહી કરી છે.
પરિણિતાને અશ્લીલ ઇશારા કરતા આધેડ પાડોશીની ધરપકડ
શહેરના મકરપુરા વિસ્તારમાં પિયરમાં આવેલી પરિણિતા અને તેની બહેનને જોઈને છ માસથી અશ્લીલ ઇશારા કરી પજવતાં આધેડની પોલીસે ધરપકડ કરી છે.
ડીસેમ્બર 2021માં પિતાના ઘરનું રીનોવેશન થતું હોવાથી પરિણીતા 12 દિવસ રહેવા ગઇ હતી.
ત્યારે સામે રહેતો ગૌતમ બારોટ (47) કપાઉન્ડમાં ઉભો રહી અશ્લીલ ઇશારા કરતો હતો.
પરિણિતાએ ગૌતમની પત્નીને કહેતાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
ગૌતમની હરકતો ચાલુ રહેતાં પરિણિતાએ તેના વિરૂદ્ધ મકરપુરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.