પરિવાર ગરબા જોવા પાર્ટી પ્લોટમાં ગયો તસ્કરો કારના કાચ તોડી લેપટોપ લઈ ફરાર
કઠવાડા રિંગ રોડ પાસે આવેલા પાર્ટી પ્લોટમાં ગરબા રસિકો ગરબા જોવા ગયા અને સર્વિસ રોડ પર પાર્ક કરેલ 3 ગાડીના તસ્કરોએ કાચ તોડી 1 ગાડીમાંથી રૂ. 50 હજારનું લેપટોપ ચોરી કરી ગયા હોવા અંગેની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. ત્રણેય ગાડીના કાચ તોડતા કુલ 20 હજારના કાચનું નુકશાન થયું હતું.
વસ્ત્રાલના ઋત્વિકભાઈ ભાવસાર તેઓના પરિવાર સાથે દસક્રોઈના કઠવાડા નિકોલ રિંગરોડ પાસેના દયાવાન પાર્ટી પ્લોટમાં કાર લઈ ગરબા જોવા ગયા હતા.
પાર્ટી પ્લોટ પાસેના સર્વિસ રોડ પર કાર પાર્ક કરી કારમાં લેપટોપ મૂકીને ગયા હતા.
ગરબા જોઈને પરત આવી જોતાં તેઓની ગાડીના દરવાજાનો કાચ તૂટેલો હતો.
તેમજ કારની પાછળની સીટમાં મુકેલ લેપટોપ તસ્કરો લઈ ગયા હતા.
આમ 50 હજારના લેપટોપ તેમજ 5 હજારના કાચનું નુકશાન થયું હતું.
આ ગાડીની પાછળ પાર્ક કરેલી અન્ય 2 અલગ-અલગ ગાડીના માલિક નરેશભાઈ રાજોરા તેમજ સુરેશભાઈ ગોસ્વામીની કારના દરવાજાના કાચ પણ તોડ્યા હતા.
પરંતુ કોઈજ ચીજવસ્તુ ચોરાઈ ન હતી. જોકે બંને ગાડીના 15000ના કાચનું નુકશાન કરવામાં આવ્યું હતું.
આમ ત્રણેય ઈસમોએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે લેપટોપ ચોરનાર અને કાચ તોડનાર ગેંગને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા