ગાંધીનગરમાં ઓક્ટોબરમાં રેકોર્ડ ઠંડી લઘુતમ પારો 16.9 ડિગ્રી
ગાંધીનગરના ઇતિહામાં ઓક્ટોબર માસમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ નગરવાસીઓએ કર્યો છે.
રવિવારે નગરનો લઘુત્તમ તાપમાનનો પારો 16.9 ડીગ્રીની સામે મહત્તમ તાપમાન પણ 34.4 ડીગ્રી નોંધાયું છે.
આથી દિવસે ગરમી અને રાત્રી ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ નગરવાસીઓ કરી રહ્યા છે
છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધતા નગરવાસીઓ રાત્રે સ્વેટર અને જાકીટમાં લપેટાયેલા નજરે પડી રહ્યા છે.
જોકે ચાલુ વર્ષે હાડ ગાળી નાંખતી ઠંડીની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી હતી.
જે હાલમાં સાચી પડી રહી હોય તેમ ઓક્ટોબર માસમાં નગરમાં રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ નગરવાસીઓએ ગત શનિવારે કર્યો હતો.
તેમાં રવિવારે પણ ઠંડીનું જોર યથાવત રહેતા ઠંડીનો અનુભવાશે.
ઠંડીએ ઓપનીંગ બેટીંગ તોફાની કરી હોય તેમ રવિવારે નગરનું લઘુત્તમ તાપમાન 16.9 ડીગ્રી અને મહત્તમ તાપમાન 34.4 ડીગ્રી નોંધાયું છે.
જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 62 ટકા અને સાંજે 46 ટકા નોંધાયું છે.
ઠંડીએ જમાવટ કરતા દિવાળી અને નૂતનવર્ષના તહેવારોમાં નગરવાસીઓને સ્વેટર પહેરવા મજબુર કરશે તેમ લાગી રહ્યું છે.
ગત શનિવારે નગરનું લઘુત્તમ તાપમાન 17.5 ડીગ્રી અને મહત્તમ તાપમાન 35.2 ડીગ્રી નોંધાયું હતું.
આથી ચોવીસ કલાકમાં જ નગરના લઘુત્તમ તાપમાનમાં 0.6 ડીગ્રી અને મહત્તમ તાપમાનમાં 0.9 ડીગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
જોકે ઠંડીના આગમનની સાથે સાથે નગરના વેપારીઓ દ્વારા ગરમ વસ્ત્રોના વેચાણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ઉપરાંત તિબેટીયન બજાર નગરમાં ભરાઇ ગયા છે.