ભ્રષ્ટાચારના દસ્તાવેજો સળગાવવા આગ લગાડવામાં આવી: કોંગ્રેસ
ગાંધીનગરના જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં કે જ્યાં પંચાયત વિભાગનું કાર્યાલય છે
શુક્રવારે વહેલી સવારે આગ લાગી હતી. આ આગમાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયાના દસ્તાવેજ અને ફાઇલો સળગી ગઇ હોવાનો આક્ષેપ કોંગ્રેસના મુખ્ય પ્રવકત્તા ડૉ. મનીષ દોશીએ કર્યો હતો.
આ ઘટનાની તપાસ નામદાર વડી અદાલતના ન્યાયમૂર્તિની દેખરેખ હેઠળ કરવામાં આવે તેવી માગ કોંગ્રેસે કરી હતી.
કોંગ્રેસના પ્રવક્તા દોશીએ એવો આક્ષેપ કર્યો હતો કે, કરોડો રૂપિયાના કૌભાંડથી બચવા માટે આગ લાગી કે લગાડવામાં આવી છે.
આગમાં રાજયના 18 હજાર ગામમાં નાણાકીય સહાયના મહત્ત્વના દસ્તાવેજો તેમજ રેકોર્ડ ખાક કરવામા આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, આશ્ચર્યની વાત છે કે, ગુજરાત સરકારના કીમતી દસ્તાવેજો આગમાં સળગી ગયા છે,
પણ અધિકારીઓની કચેરીમાં કોઇ નુકશાન થયું નથી.
જીએસપીસીમાં ત્રીસ હજાર કરોડનું કૌભાંડ થયું હતું તે ગુજરાત પેટ્રોલિયમ કોર્પોરેશનના દસ્તાવેજો આગમાં ભસ્મિભૂત થયા હતા
તે અંગે હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી.