ચૂંટણી પૂર્વે છેલ્લી ઘડીએ ગરીબ કલ્યાણ મેળામાં રૂા.69.41 કરોડની સહાય કરાઈ
વિધાનસભાની ચૂંટણી પૂર્વે છેલ્લી ઘડીએ સાવલી ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનો કાર્યક્રમ યોજાયો હતો.
ગોધરાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું.
જેમાં 2431 લાભાર્થીને 69.41 કરોડની સહાય સામગ્રીનું વિતરણ કરાયું હતું.
ચૂંટણી પૂર્વે મતદારોને આકર્ષવા ભાજપની સરકાર દ્વારા વિકાસનાં કામોનાં ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ અને ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાઈ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 13મા ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરાવ્યો હતો.
જે અંતર્ગત સાવલીમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.
જેમાં મંત્રી મનીષાબેન વકીલના હસ્તે 69.41 કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું હતું.
2431 લાભાર્થીને સાધનોનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર, ભાજપ જિલ્લા પ્રમુખ, કલેક્ટર રહ્યા હાજર હતા.
મંત્રી મનિષાબેન વકીલે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળા થકી વચેટિયા મુક્ત, સરળ અને પારદર્શક રીતે સહાય આપવાનું સરકારે શરૂ કર્યું છે,
જેનાથી ગરીબોનો વિકાસ થાય છે.
પૈસાવાળા અને મળતિયાઓને જ લાભ અપાઈ રહ્યા હોવાના આક્ષેપ
કલ્યાણ મેળા સંદર્ભે પાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલે મુખ્યમંત્રી સંબોધીને કહ્યું કે, પાલિકા વિસ્તારમાં પૈસાવાળા, રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિ અને તેમના મળતિયાને જ લાભ મળ્યો છે.
સાવલી ગ્રામ પંચાયત હતું ત્યારે બીપીએલ યાદી બની હતી.
15 વર્ષથી બીપીએલ યાદી ન બનાવાયાનો આક્ષેપ કર્યો છે.
સમસ્યાનો 30 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે.
જિલ્લાના અન્ય ધારાસભ્યની ગેરહાજરી
સાવલીના ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના તમામ ધારાસભ્યોને આમંત્રણ અપાયું હતું.
જોકે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, ડભોઇ ધારાસભ્ય શૈલેશ મહેતા, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, ભરૂચ સાંસદ મનસુખ વસાવા ગેરહાજર રહ્યાં હતાં.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે ધારાસભ્યોની ગેરહાજરી સૂચક બની હતી.