ઘરેણાંનું 4 કરોડનું એડવાન્સ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં 25 ટકાનો ઘટાડો થતાં વેપારીઓને દિવાળી સુધરવાના સંકેત

સોના-ચાંદી બજારના ઇતિહાસમાં પ્રથમ વખત નવરાત્રીમાં સોના-ચાંદીના ભાવમાં 25 ટકાનો ઘટાડો થતાં 4 કરોડનું એડવાન્સ બુકિંગ થયું છે.
લગ્નઋતુ અને ભાવ ઘટતાં લેવાલી વધી હતી,
જેને પરિણામે સાતમા નોરતે ભાવમાં 15 ટકાનો ઉછાળો આવ્યો હતો.
નવરાત્રી પહેલાં સોનાનો 1 તોલાનો ભાવ રૂ. 49800થી 51050 જેટલો નીચે જતો રહ્યો હતો
જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ રૂ. 55000ની આસપાસ રહ્યો હતો.
આથી સોના-ચાંદીના બજારમાં ભાવમાં 25 ટકાનો કડાકો આવ્યો હતો.
જેનો લાભ લગ્ન પ્રસંગવાળા લોકોએ લીધો હતો.
જેને પરિણામે આગામી લગ્નગાળાને ધ્યાનમાં રાખીને ઍડ્્વાન્સ ઓર્ડર બુકિંગ નવરાત્રીમાં વધારે થયું હતું.
જેને પરિણામે સાતમા નોરતે સોના-ચાંદીના ભાવમાં 15 ટકાનો ઉછાળો આવ્યો હતો.
તેમ છતાં નવરાત્રી અને દશેરામાં અંદાજે 4 કરોડના એડવાન્સ બુકિંગ થયું હોવાનું વેપારી જિજ્ઞેશભાઇએ જણાવ્યું છે.
સોના-ચાંદીનું ઇન્ટરનેશનલ બજાર હાલ નરમ
સોના-ચાંદીનું ઇન્ટરનેશનલ બજાર હાલમાં નરમ છે.
ચાલુ વર્ષે સોનાનો ભાવ 2100 ડૉલર જેટલો હાઈ ગયા બાદ હાલમાં 1600 જેટલો ડાઉન થયો છે.
હાલમાં 1722 ડૉલર જેટલો ભાવ ચાલી રહ્યો છે.
તે જ રીતે ચાંદીમાં 17.80 સેન્ટ ડાઉન થયા બાદ હાલમાં 20 સેન્ટ છે.
જોકે સામાન્ય રીતે સોનાનું ઇન્ટરનેશનલ બજાર 1970 ડૉલરની આસપાસ રહેતું હોય છે
જ્યારે ચાંદી 26થી 27 સેન્ટ જેટલું હોય છે.
પરંતુ આંતરારાષ્ટ્રીય મંદીના કારણે હાલમાં ભાવમાં ઘટાડો હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
સોના-ચાંદી 2500થી 5000 ઘટી શકે છે
સોના-ચાંદી ઉપર એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવે છે,
નહીં તો સોનાના ભાવમાં પ્રતિ તોલાએ 2500થી 3000નો અને ચાંદીમાં પ્રતિ કિલોએ 5000થી 6000નો ઘટાડો થઈ શકે તેમ વેપારીઓ જણાવ્યું છે.
હાલમાં સોના-ચાંદીના ભાવ : પ્રતિ તોલા સોનાનો લગડીનો ભાવ રૂ, 52800, ઘરેણાંનો ભાવ રૂ. 49000 છે. જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ, 59500નો ભાવ હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.