ગાંધીનગરના ચરાડા ચોકડી નજીક બે મોટર સાયકલ વચ્ચે ટક્કર, એકનું મોત

માણસા તાલુકાના ચરાડા ચોકડી નજીક બે મોટર સાયકલ વચ્ચે ટક્કર થતા અકસ્માત થયો હતો.
જેમાં પિલુદરા ગામનાં 37 વર્ષીય યુવાનનું મોત નિપજતા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
બે મોટરસાયકલ સામસામે અથડાય
માણસા તાલુકાના પિલુદરા ગામમાં રહેતા મનુભાઇ મોહનભાઇ પરમારનાં બે પુત્રો પૈકી 37 વર્ષીય નરેન્દ્ર માણસા જીઈબીમાં નોકરી કરતો હતો.
ગઈકાલે આશરે બપોરના સાડા ત્રણેક વાગ્યાની આસપાસ મનુભાઈ ઘરે હાજર હતા.
તે વખતે જાણવા મળેલ કે, તેમના દિકરાને ચરાડા ચોકડી નજીક અકસ્માત થતાં માણસા સિવિલમાં લઈ જવાયો છે.
જેનાં પગલે મનુભાઈ સહિતના પરિવારજનો સિવિલ દોડી ગયા હતા.
નોકરી ઉપર જતી વેળાએ યુવાનને અકસ્માત નડ્યો
જ્યાં રસ્તામાં અકસ્માત સ્થળે તેમના દીકરાના બાઈક સાથે અકસ્માત કરનાર બીજું બાઈક પણ પડયું હતું.
ત્યારે સિવિલ હોસ્પિટલ પહોંચતા ફરજ પરના ડોક્ટરે નરેન્દ્રનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.
મૃતક નોકરી ઉપર જતો હતો એ દરમિયાન સામેથી મોટર સાયકલ (નં-GJ-02-BC 8442) ના ચાલકે તેનુ વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી નરેન્દ્રના મોટર સાયકલ સાથે અથડાવી દીધી હતી.
માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ અકસ્માત કરનાર ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ અંગે જાણ થતાં માણસા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી
અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી લાશનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત કરનાર મોટર સાયકલના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.