ભાજપના નેતા-વિદ્યાપીઠના ટ્રસ્ટી વચ્ચેની બેઠકમાં આચાર્ય દેવવ્રતને કુલપતિ બનાવવા નિર્ણય થયો હતો

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પસંદ કરવા માટે ટ્રસ્ટી મંડળની લગભગ 5 કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બહુમતીથી પસંદગી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં વિદ્યાપીઠમાં તમામ કુલપતિ સર્વાનુમતે પસંદ કરાયા છે.
વિદ્યાપીઠના ઈતિહાસમાં પહેલી જ વાર બહુમતીથી નિર્ણય લેવાયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ભાજપના એક ટોચના કેન્દ્રીય નેતા અને વિદ્યાપીઠના એક ટોચના વિવાદાસ્પદ ટ્રસ્ટી અને હોદ્દેદાર સાથે બે મહિના પહેલા ગુપ્ત બેઠક મળી હતી.
આ બેઠકમાં જ આચાર્ય દેવવ્રતને વિદ્યાપીઠના કુલપતિ તરીકે પસંદ કરવાનો નિર્ણય લેવાઈ ગયો હતો.
વિદ્યાપીઠના 102 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બિનગાંધીવાદી કુલપતિ બનશે.
હાલના કુલપતિ ઈલાબહેન ભટ્ટે 5 મહિના પહેલાં આપેલું રાજીનામું સ્વીકારાયું છે.
જેનો અમલ 19 ઓક્ટોબરથી થશે. ટ્રસ્ટી મંડળમાં 24 સભ્યો છે
પણ કેટલાકે જ આચાર્ય દેવવ્રતની નિમણૂક સામે વિરોધ કર્યો હતો.
ગાંધીવાદીઓએ દલીલ કરી હતી કે, ગાંધીજીની વિચારધારાને આગળ વધારવા ગાંધીવાદીની જ નિમણૂક થવી જોઈએ.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાપીઠના જ એક વિવાદાસ્પદ હોદ્દેદાર ઉપરાંત 6 અધ્યાપક ટ્રસ્ટી આચાર્ય દેવવ્રતની તરફેણમાં હતા.
ટ્રસ્ટી મંડળના કુલ 24 સભ્યોમાંથી કેટલાકે તો અગાઉથી જ આચાર્ય દેવવ્રતના નામ પર સંમતિ આપી દીધી હતી.
અગાઉ વિદ્યાપીઠના કુલનાયક તરીકે રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક મુદ્દે મોટો વિવાદ થયો હતો.
રાજ્યપાલ તરીકે આચાર્યનો કાર્યકાળ 9 માસ બાકી
આચાર્ય દેવવ્રતનો રાજયપાલ તરીકે 5 વર્ષનો કાર્યકાળ 21 જુલાઇ,2023ના રોજ પૂરો થાય છે
એટલે તેમનો રાજ્યપાલ તરીકેનો હવે 9 મહિના જેટલો કાર્યકાળ બાકી રહ્યો છે.
તેઓ હિમાચલ પ્રદેશ અને ગુજરાતના રાજ્યપાલ તરીકેનો અનુભવ ધરાવે છે.
તેમને શિક્ષક અને શિક્ષણ પ્રશાસનનો 34 વર્ષનો અનુભવ છે.
યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાનો 22 વર્ષનો અનુભવ છે.
પ્રાકૃતિક કૃષિનો 13 વર્ષનો અનુભવ,ગૌ પાલન અને નસલ સુધારવાનો 40 વર્ષનો અનુભવ છે.
શિક્ષણ,સામાજિક અને સાંસ્કૃતિ ઉન્નતિ અને સુધારણાનો 44 વર્ષનો અનુભવ છે.
ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે,કોઈ સીટિંગ રાજ્યપાલની વિદ્યાપીઠના કુલપતિ તરીકે પસંદગી કરવામાં આવી છે.
ગાંધી વિચાર પ્રેરિત સંસ્થામાં સૌથી મોટો યુ-ટર્ન
ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થી, અધ્યાપકના જણાવ્યા પ્રમાણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વિદ્યાપીઠના કુલપતિ તરીકે પસંદગી પછી 102 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બિનગાંધીવાદી વ્યક્તિ આવશે.
આ ઘટનાને ગુજરાતની ગાંધી વિચાર પ્રેરિત સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ માટે સૌથી મોટો યુ-ટર્ન કહી શકાય.
ગુજરાતમાં ગાંધી વિચારને જીવનારા અને ચલાવનારાની નિષ્ઠા,નિસબત અને તેજ ઘટ્યા છે
તેની આ મોટી સાબિતી છે.વિદ્યાપીઠમાં છેલ્લા અઢી-ત્રણ દાયકાથી જે વૈચારિક સંઘર્ષ થતો હતો,
પરસ્પરનો વિચાર ભેદ વારંવાર સપાટી પર આવતો હતો અને નિમ્ન સ્તરનંુ રાજકારણ રમાતું હતું
તેને નજર અંદાજ કરાયું તેનું આ પરિણામ છે, એવું લાગતું હતું કે વિદ્યાપીઠ સમયાન્તરે ગાંધી વિચારથી વધુને વધુ દૂર થઈ રહી છે.
હવે આ જે ઘટના બની છે તેના પડઘા આખા ગુજરાતની ગાંધીવાદી સંસ્થાઓ અને ગાંધીજનો પર પડશે.
હવે ગાંધીજનોની જગ્યાએ આરએસએસવાળા ગૂજરાત વિદ્યાપીઠમાં પગપેસારો કર્યો છે તેવી ચર્ચા થશે.