કેનેડાની રજાઈનાની પબ્લિક લાઈબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો વાંચવા માટે મુકાયા, અવર ઓવન ગુજરાતી સિનિયર સિટીઝન ફ્રેન્ડસ સર્કલે પુસ્તકો અર્પણ કર્યા
અવર ઓવન ગુજરાતી સિનિયર સિટીઝન ફ્રેન્ડસ સર્કલે તાજેતરમાં કેનેડાના રજાઈની પબ્લિક લાઈબ્રેરી, (સેન્ટ્રલ લાઈબ્રેરી) ડાઉન ટાઉનમાં ‘પુસ્તક પરબ પ્રોજેક્ટ’ અંતર્ગત ગુજરાતી પુસ્તકો આ લાઈબ્રેરીને અપર્ણ કરવામાં આવ્યાં છે.
100 પુસ્તકો લાઈબ્રેરીમાં અપર્ણ કરાયા
આ પુસ્તકો RPLના ડિરેક્ટર Mr.Geoffrey Allenના વરદ હસ્તે સ્વીકારવામાં આવ્યાં છે.
આ પ્રસંગે શહેરના જાણીતા તબીબ અને ગુજરાતી સમાજ, રજાઈનાના પૂર્વ પ્રમુખ ડો. રજનીભાઇ પટેલ તેમજ ગૃપના સેવાભાવી સભ્ય નંદુભાઈ પ્રજાપતિ તેમજ ગૃપના સ્થાપક અને નડિયાદના વતની એવા ઘનશ્યામ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી વ્યક્તિ દુનિયાના કોઈ પણ શહેરમાં વસતો હશે પણ તેને ગુજરાત અને માતૃભાષા ગુજરાતીનું ગૌરવ હશે જ. ગુજરાતીઓને તેમની પોતાની ભાષામાં શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્ય વાંચવા મળી રહે તે હેતુસર આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના લોકપ્રિય , જાણીતા, વિદ્વાન અને અનુભવી લેખકોના 100 જેટલા શ્રેષ્ઠ અને ઈનામી પુસ્તકો લાઈબ્રેરીમાં અપર્ણ કરવામાં આવ્યાં છે.
રજાઈનાના સ્થાનિક MLAનો પણ સહકાર
મુખ્યત્વે ગુણવંત શાહ , કાજલ ઓઝા વૈદ્ય , વિઠ્ઠલ પંડ્યા , સ્વામી સચ્ચિદાનંદ , સાઈરામ દવે ,
જય વસાવડા તેમજ ફાધર વાલેસ મુખ્ય છે. શ્રી સંતરામ મંદિર , નડિયાદ તરફથી પણ 23 પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે.
આ પુસ્તકોમાં ડો. રજનીભાઈ પટેલ , જય પટેલ , સવિતાબેન પટેલ , ઘનશ્યામ પટેલ, દેવીબેન પટેલ ,
ઠાકોરભાઈ પટેલ (સુરત), દીનાબેન ગોઠરવાલ વગેરે ગૃપના સભ્યોનો આર્થિક સહકાર મળ્યો છે.
રજાઈનાના સ્થાનિક MLA Muhmmad Fiazનો સહકાર સરાહનીય છે.
પુસ્તક પરબ પ્રોજેક્ટ અંતર્ગત દરેક સભ્યે સ્વૈચ્છાએ તેમના જન્મદિવસે કે લગ્નતિથિએ એક પુસ્તક ભેટ અથવા પુસ્તક ખરીદવા આર્થિક સહયોગ આપવો તેમ નક્કી થયેલ છે.
ગૃપનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે.
ભવિષ્યમાં વધુ ગુજરાતી પુસ્તકો આપી તેને સમૃદ્ધ કરવાનું આયોજન છે.