ક્રિકેટર જાડેજા પાસેથી પત્ની રિવાબાએ ઘોડેસવારી શીખવાનું શરૂ કર્યું, કહ્યું: રવીન્દ્રના શોખ અપનાવવાની કોશિશ કરું છું
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ક્રિકેટની સાથે સાથે ઘોડેસવારીનો જબરો શોખ ધરાવે છે.
જ્યારે પણ જાડેજા ક્રિકેટ ટૂર્નામેન્ટ ન હોય ત્યારે તે પોતાનો સમય તેમના ફાર્મ હાઉસ ખાતે વિતાવે છે.
અહીં તે ઘોડેસવારી કરીને પરિવારના સભ્યોની જેમ ઘોડા સાથે પણ સમય પસાર કરતો જ હોય છે.
હવે તેની પત્ની રિવાબાએ પણ ઘોડા સાથે સમય પસાર કરવાની શરૂઆત કરી છે.
આ અંગે રિવાબાએ દિવ્યભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે રવીન્દ્ર જાડેજાના શોખ અપનાવવાની મેં શરૂઆત કરી છે.
રવીન્દ્ર પાસેથી હું ઘોડેસવારી શીખી રહી છું.
બહુ ઓછા લોકો છે કે આ સંસ્કૃતિને આગળ વધારે છે
રિવાબાએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ મેં ઘોડેસવારી શીખવાની શરૂઆત કરી છે.
જ્યારે પણ અમે સાથે ફાર્મહાઉસમાં હોઇએ ત્યારે રવીન્દ્ર મને ઘોડેસવારી કરતા શીખવે છે.
રવીન્દ્રના જેટલા પણ શોખ છે એ હું ધીમે ધીમે અપનાવવાની કોશિશ કરું છું.
બહુ જ ઓછા લોકો છે, જે આ સંસ્કૃતિને આગળ વધારે છે. ટીમ ઇન્ડિયામાં માત્ર બે જ ખેલાડી છે
જે ઘોડેસવારીનો જબરો શોખ ધરાવે છે. એક શિખર ધવન અને બીજા મારા પતિ. ધીરે ધીરે શોખ કેળવી ઘોડેસવારી શીખી રહી છું,
જેમાં મને રવીન્દ્ર ગાઈડ કરે છે. હું ઘોડા સાથે ફેમિલિયર થવાની કોશિશ કરું છું તેમજ ઘોડાની સેન્સ અને વર્તન વિશે માહિતી મેળવી રહી છું.
ભારતીય ટીમમાં શિખર ધવન અને જાડેજાને ઘોડેસવારીનો શોખ
ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવનને ઘોડેસવારીનો શોખ છે.
તેમની સાથે-સાથે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ ઘોડેસવારી પસંદ કરે છે.
રાજપૂત હોવાના કારણે રવીન્દ્ર જાડેજાનો શોખ શિખર ધવન સાથે મળતો આવે છે.
આ જ કારણ છે કે રવીન્દ્ર જાડેજા સાથે શિખર ધવને ઘોડેસવારી કરવાનો વાયદો કર્યો છે,
પરંતુ આના માટે ગબ્બર એટલે કે શિખર ધવને એક શરત રાખી છે.
ધવને કમેન્ટ કરી લખ્યું આપણે સાથે ઘોડેસવારી કરીશું
રવીન્દ્ર જાડેજાએ એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો,
જેમાં તે બે ઘોડા સાથે દેખાઈ રહ્યો છે. આ જ ફોટો પર શિખર ધવને કમેન્ટ કરી અને રવીન્દ્ર જાડેજા સાથે ઘોડેસવારી કરવાનો વાયદો કર્યો છે.
શિખર ધવને જાડેજાના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે બન્ને રાઈડ કરીશું, પરંતુ કોરોના વાઇરસથી ભારતમાં બગડેલી સ્થિતિ સારી થયા બાદ.
IPL દરમિયાન રવીન્દ્રનો પ્રિય ઘોડો ‘વીર’નું અવસાન થયું હતું
20 એપ્રિલ 2021ના રોજ રવીન્દ્ર જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સ ટીમમાં IPL ટૂર્નામેન્ટમાં હતો.
આ દરમિયાન તેના નજીકના અંગત સાથી એવા ‘વીર’ (ઘોડા)નું અવસાન થતાં તેની સાથેની તસવીરો જાડેજાએ સોશિયલ મીડિયામાં શેર કરી હતી અને લખ્યું હતું કે આપણી સારી યાદો હંમેશાં સાચવી રાખીશ અને યાદ પણ રાખીશ. આ યાદગાર સમય ક્યારેય ભૂલી શકાશે નહીં.
મારા પ્યારા ‘વીર’ તું હંમેશાં મારી પસંદગીમાંથી એક હોઈશ.