ધરતીને રસાયણથી મુક્ત કરવા ભાવનગરના ખેડૂતો નવરાત્રીમાં ગામડે ગામડે રથ લઈને ફરશે
એક વર્ષમાં 4 નવરાત્રિ આવતી હોય છે અને આ ચારેય નવરાત્રિનું અલગ અલગ મહત્વ છે. આ પૈકી આસો નવરાત્રી 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહી છે.
આદ્યશક્તિની આરાધના સાથે નવ દિવસના લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ તરીકે પણ આ નવ-રાત્રિનું અલગ મહત્વ રહ્યું છે
અને દેશ વિદેશમાં રાસ ગરબાની ધૂમ મચશે. જોકે, આ નવરાત્રિમાં ગોહિલવાડના ખેડૂતોએ કંઈક અલગ જ રીતે મા ધરતીની આરતી અને પ્રકૃતિની આરાધના કહી શકાય તેવું વિશેષ આયોજન કર્યું છે.
નવરાત્રિના આ દિવસોમાં આરાધકો શક્તિ આરાધના અને ખેલૈયાઓ ગરબે ઘૂમતા હશે
ત્યારે આ ખેડૂતો અને જાગૃત નાગરિકો ધરતીને રસાયણથી મુક્ત કરવા, પ્રકૃતિને શુદ્ધ કરવાના પ્રયાસ સાથે ગામડે ગામડે રથ લઈને ફરતા હશે.
પ્રકૃતિ તરફ વળવું તે હવે વિકલ્પ નહીં પરંતુ આવશ્યક બન્યું
તળાજા તાલુકાના હબુકવડની પ્રાથમિક શાળાના શિક્ષક અને સાથે ખેડૂત કનુભાઈ નાગજીભાઈ ભટ્ટ આ અભિયાન અંગે કહે છે કે, પ્રત્યેક જીવ હવા, પાણી અને ધરતીમાંથી પોતાનું પોષણ મેળવે છે
અને આ માટે પ્રાકૃતિક વ્યવસ્થા છે જ પરંતુ રાસાયણિક ખાતરો અને અન્ય ઝેરી પદાર્થો દ્વારા આ ત્રણેયને પ્રદૂષિત કરી ખુદ આપણે આપણા પગ પર કુહાડો માર્યો છે.
આના માઠા પરિણામો દેખાવા લાગ્યા છે. પ્રકૃતિ તરફ વળવું તે હવે વિકલ્પ નહીં પરંતુ આવશ્યક બન્યું છે
ત્યારે વધુને વધુ કૃષિ પ્રાકૃતિક રીતે થાય તે માટે આ પ્રકારે આયોજન અમે હાથ ધર્યું છે.
75 હજાર ખેડૂતો સુધી ખેતીનો સંદેશો પહોંચાડવામાં આવશે
26 સપ્ટેમ્બરથી દશેરા સુધી ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કૃષિ રથ લઈને કાર્યકરો ફરશે.
આ દસ દિવસમાં 700થી વધુ ગામડાઓ ફરીને 75 હજાર કરતા વધુ ધરતીપુત્ર એટલે કે ખેડૂતો સુધી પ્રાકૃતિક ખેતી – ગૌવંશ આધારિત ખેતી નું સંદેશો પહોંચાડવામાં આવશે.
સમગ્ર વ્યવસ્થા તે ગામના લોકો જ સંભાળશે
રોહિતભાઈ ગોટી કહે છે કે, જે ગામમાં આ રથ જશે ત્યાં ગ્રામસભા, શેરી નાટક, પ્રાકૃતિક ખેતીવાળા ફાર્મની મુલાકાત, ગૌ, ધરતી, સપ્તધાન પૂજા, આરતી તથા સંતો અને અગ્રણીઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજાશે. જે ગામમાં રથ પહોંચશે
ત્યાં સમગ્ર વ્યવસ્થા તે ગામના લોકો જ સંભાળશે એટલે કે આયોજન અને વ્યવસ્થા બધું જ સ્વયંભુ છે.
અહીં કોઈ સરકારી કાર્યક્રમ નથી કે નથી કોઈ યોજના અંતર્ગત આયોજન. સ્વયંભૂ રીતે હાથ ધરાયેલું અભિયાન છે.
તંત્રથી માંડી સહુ કોઈનું સહયોગ મળ્યો
નોંધનીય છે કે, આટલું મોટું અને દેશમાં પ્રથમવાર આ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે છતાં ન તો કોઈ પ્રમુખ છે ન તો કોઈ મંત્રી. સહુ કોઈ સંયોજક તરીકે પોત પોતાની જવાબદારી વહન કરી રહ્યા છે
અને કોઈ જ હોદ્દા-પદની ઈચ્છા વગર પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આવા જ સંયોજક લાલજીભાઈ સોલંકી કહે છે કે અમારા આ સંગઠનને ગુજરાતના રાજ્યપાલએ પણ માન્યતા આપી છે
અને કામને બિરદાવ્યું છે પરંતુ અમે આવશ્યકતા સિવાય લેટર હેડ પણ વાપરતા નથી.
નવરાત્રીમાં ધરતી માતાની આરતી જેવા આ કાર્યક્રમમાં વહીવટી તંત્રથી માંડી સહુ કોઈનું સહયોગ મળ્યો છે
અને અધિકારીઓ પણ આ કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
જાગૃત લોકો હવે સમજતા થયા છે કે આ દિશામાં આગળ વધવું તે અત્યંત જરૂરી છે.
પ્રાકૃતિક ખોરાક અંગે જાગૃતિના કાર્યક્રમો પણ યોજાશે
આ જ વાતમાં સુર પુરાવતા વાલજીભાઈ કાત્રોડીયા કહે છે કે, આ માત્ર ખેડૂતોનો જ નહીં પરંતુ ધન ઉગાડનાર અને ખાનાર બંનેનો કાર્યક્રમ છે.
આથી શહેર કક્ષાએ પણ સ્પર્ધાઓ અને પ્રાકૃતિક ખોરાક અંગે જાગૃતિના કાર્યક્રમો પણ યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ પાંચથી અનુસ્થાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિવિધ વિભાગોમાં પત્ર લખીને પ્રાકૃતિક ખેતી અંગેનો પોતાનો વિચાર પણ રજૂ કરવાના છે.
ખેડૂત ઝીરો ખર્ચથી રસાયણ મુકત અને સવાયો દોઢો પાક લઈ શકે
નારસંગભાઈ મોરી અને અજીતસિંહ ગોહિલ કહે છે કે, મૂળભૂત રીતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીને ગામડે ગામડે પહોંચાડી ખેડૂત ઝીરો ખર્ચથી રસાયણ મુકત અને સવાયો દોઢો પાક લઈ શકે છે
તે સંદેશ પહોંચાડવાનો અમારો ઉદ્દેશ છે. અમે પણ ખેડૂત છીએ અને અમે આ પરિણામ મળ્યું છે
તેથી વધુને વધુ લોકોને આ લાભ મળે તે અમારો પ્રયાસ છે.
ખેડૂતથી આત્મનિર્ભર ભારત એ દિશામાં કામ કરી રહ્યાં છીએ
શંકરભાઈ ધાંધલ્યા, મુળરાજસિહ પરમાર, હરીભાઇ જસાણી અને બીજા અનેક ખેડૂત કાર્યકરો કોઈ જ અપેક્ષા વગર આત્મનિર્ભર ખેડૂતથી આત્મનિર્ભર ભારત એ દિશામાં કામ કરી રહ્યા છે.
તેઓ કહે છે, ભાવનગર જિલ્લામાં 2000 જેટલા ખેડૂતો પ્રાકૃતિક ગૌ વન આધારિત ખેતી કરી રહ્યા છે
આઝાદીના 75 વર્ષ સાથે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે
ત્યારે જો 7500 ખેડૂતો પણ પોતાના ખેતરમાં રસાયણ મુકત, પ્રાકૃતિક પાકરૂપ અમૃત અનાજ, શાકભાજી લેતા થાય તો મોટી સફળતા ગણી શકાય.