શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો.

રાંધણ છઠ અને શીતળા સાતમ માત્ર આપણા ઘરોમાં પરંપરાગત રીતે ઉજવાય છે

શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો.

રાંધણ છઠ અને શીતળા સાતમ માત્ર આપણા ઘરોમાં પરંપરાગત રીતે ઉજવાય છે
રાંધણ છઠ અને શીતળા સાતમ માત્ર આપણા ઘરોમાં પરંપરાગત રીતે ઉજવાય છે

(વિશેષ નોંધ: આજ સુધી રાંધણ છઠ અને શીતળા સાતમ માત્ર આપણા ઘરોમાં પરંપરાગત રીતે ઉજવાય છે, એટલા પૂરતું જ કરતાં હોય તો ન કરવી. બીજું કે આપણે આજદિન સુધી જોતાં આવ્યા છીએ કે ઘણા ઘરોમાં ચૂલા કે ગેસની પૂજા નથી કરી અથવા એક ગેસ નથી ઠાર્યો, એટલે એ ગેસ પર આજે ખાલી ચા તો બનાવી જ શકાય ને…એવો સગવડીયો તહેવાર બને તો, તે ન ઉજવવો… કે પછી ઘરમાં ચૂલો કે ગેસ ચાલુ ન કરાય પણ, બહાર જઈને તો ખવાય જ ને… એવું બધું કરવું હોય તો છઠ અને સાતમ ન કરવી. જો આ તહેવારની ધાર્મિક માન્યતાઓ સાથે એની પાછળનાં વૈજ્ઞાનિક કે પર્યાવરણીય તથ્યો કે મહત્વ જાણીને તેમજ સમજીને કરવું છે, તો આજનો લેખ અંત સુધી જરૂર વાંચશો એવી નમ્ર વિનંતી.)

રાંધણ છઠ અને શીતળા સાતમ.

વર્ષા ઋતુમાં આવતો શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનામાં જેટલા તહેવારો આવે છે, તેટલા તો ભાગ્યે જ કોઈ બીજા મહિનામાં આવતા હશે. શ્રાવણ વદ આઠમે જન્માષ્ટમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. પરંતુ જન્માષ્ટમીની પહેલાં પણ કેટલાક તહેવારો આવે છે. જેનુ આપણી સંસ્કૃતિમાં આગવું મહત્વ છે. ગઈકાલે બધા એ ખૂબ હર્ષોલ્લાસથી નાગ પાંચમની પૂજા કરી હશે. આજે શ્રાવણ વદ છઠની તિથિ જેને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે.

ભારતીય સંસ્કૃતિમાં બાળ-આરોગ્યની કામના હેતુ મનાવવામાં આવતુ પર્વ એટલે શીતળા સાતમ. આ તહેવારની પરંપરાગત ઉજવણી કરવા માટે રાંધણ છઠની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ નામે મનાવવામાં આવે છે.

ગુજરાતમાં તેને રાંધણ છઠ તો ક્યાંક આ પર્વને ‘હલષષ્ઠી’, ‘હળછઠ’, ‘હરછઠ’, ‘ચંદન છઠ’, ‘તિનછઠી’, ‘તિન્નિ છઠ’, ‘લલહી છઠ’, ‘કમર છઠ’, અથવા ‘ખમર છઠ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને ‘લાલાય છઠ’ પણ કહેવામાં આવે છે. આ તહેવારમાં સ્ત્રીઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણનાં મોટા ભાઇ બલરામનો પણ જન્મ થયો હતો. એટલે આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણનાં મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણોસર તેમને ‘હળધર’ પણ કહેવામાં આવે છે. કદાચ એટલે પણ આ તહેવારને અલગ-અલગ પ્રાંતોમાં હળછઠનાં નામથી ઓળખવામાં આવે છે. જોકે આ વાતમાં મતમતાંતર પણ પ્રવર્તે છે. ઘણી જગ્યાએ ભાદરવા સુદ છઠનો ઉલ્લેખ છે. પણ એક દ્રષ્ટિએ શ્રાવણ વદ છઠ વધારે યોગ્ય બેસે છે, કેમ કે જો શ્રાવણ વદ આઠમના રોજ કૃષ્ણનો જન્મ હોય તો શ્રી બલરામજી એમના કરતાં મોટા હતા.

રાંધણ છઠ ના દિવસે રસોઈ તૈયાર કરી સાતમનાં દિવસે ઠંડી રસોઈ આરોગવાની પરંપરા છે. આ દિવસે ઘરમાં વહેલી સવારથી રસોઈ બનવાનું શરૂ થઈ જાય છે. ઘરે ઘરે વડા, ભજીયા, તીખી પુરી, મીઠી પુરી, થેપલા, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચા, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર સહિતની અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની સાંજે ઘરના ચૂલ્હાની સાફ-સફાઈ કરાય છે. આખો દિવસ રસોઈ કર્યા બાદ ઘરની મહિલાઓ ચૂલાને સાફ કરી, ઠંડો કરીને કંકુ-અક્ષત વડે તેનું પૂજન કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. હકીકતમાં તો આ પણ અગ્નિદેવ પ્રત્યે ઋણ સ્વીકારનું પર્વ માનવામાં આવે છે.

રાંઘણ છઠની રાતે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે, અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસની સાંજે કે રાતે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને આપણા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે. માટે રાંધણ છઠનાં દિવસે સાંજે કે રાતે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે. એટલે ચૂલાની જગ્યાએ ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે.

આ સિવાય રાંધણ છઠના દિવસે આંબાના રોપ વાવવાની પરંપરા છે. શહેરોમાં આ પરંપરા વિસરાઈ ગઈ છે, પરંતુ ગામડાઓમાં આ પરંપરા હજી પણ જળવાઈ રહી છે. આ પરંપરાનો હેતુ કુટુંબીજનોને આમ્રવૃક્ષની શીતળતા મળતી રહે તેવી ભાવના સાથે આંબાનાં રોપ વાવવામાં આવે છે. આ બધી માન્યતાઓ હકીકતમાં તો પર્યાવરણના જતન સાથે સંકળાયેલી છે.

આ રીતે જાતજાતનાં છોડ રોપવાથી આસપાસનું વાતાવરણ હર્યુ ભર્યું રહે અને પર્યાવરણમાં સંતુલિતતા જળવાઈ રહે તે જ આશયથી આ બધું ધાર્મિક માન્યતાઓ સાથે જોડી દેવાયું. આપણે જે રીતે આપણી જરૂરિયાતો માટે આડેધડ પ્રકૃતિનો સર્વનાશ કરીયે છીએ, તો આ રીતે પ્રકૃતિ લીધું છે, તો સમયોચિત પ્રકૃતિને પાછું પણ આપવું જ રહ્યું. આ બધા તહેવારની ભાવના સાથે પ્રકૃતિનું જતન પણ કરી શકાય, એવા જ આશયથી આપણા પૂર્વજો એ આ બધું ધર્મ સાથે જોડી દીધું.

શ્રાવણ વદ છઠ પછી આવે શ્રાવણ વદ સાતમનો તહેવાર, જે શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. કારણકે જીવન ભર આપણને સેવા આપી છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે ? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે.

સાતમના દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે. એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે, અને સાતમના દિવસે કથા સાંભળ્યા બાદ, પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એક દિવસ ઠંડું ભોજન જમવાથી આપણા શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નીરોગી બની રહે છે. એ સિવાય સાતમના દિવસે ઠંડું ભોજન કરવાથી કફ સંબંધી બીમારીઓ થવાની સંભાવનાઓ પણ ઓછી રહે છે. વર્ષમાં એક દિવસ ઠંડું ભોજન કરવાથી પેટ અને પાચન તંત્રને પણ લાભ મળે છે.

શીતળા માતા એમના હાથમાં કળશ, સૂપ, સાવરણી અને ગળામાં લીમડાનાં પાંદડાંની માળા ધરાવે છે અને ગધેડા પર સવાર થઈ એક ચોક્કસ મુદ્રામાં બેઠા છે. તેમના કળશમાં વાયરસનો નાશ કરનાર, જંતુનાશક, મસૂરના સ્વરૂપમાં ઠંડુ આરોગ્ય પ્રદ પાણી છે. સ્કંદ પુરાણમાં, તેમની અર્ચના સ્તોત્રને શીતલષ્ટકનાં નામથી દર્શાવવામાં આવી છે. શિવજીએ જાતે જ લોક કલ્યાણ માટે શીતલષ્ટક સ્તોત્રની રચના કરી હતી.

શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવા (સફાઈ)ના સાધનોની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે. આડકતરી રીતે જોઈએ તો સૂપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતાં અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. તેમજ તંદુરસ્તી જળવાઈ રહે એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ આપે છે.

એવું માનવમાં આવે છે કે શીતળા સાતમનું વ્રત કરવાથી શીતળા માતા પોતાના ભક્તોને ઓરી તથા ચિકન પોક્સ જેવી બીમારીઓથી રક્ષણ કરે છે. હકીકતમાં શીતળા સાતમ મનાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ ચોમાસાના વરસાદી વાતાવરણમાં આવતો બદલાવ છે. આ બદલાવથી બચાવ માટે સાફ સફાઈ ખૂબ અગત્યની છે. દેવી શીતળાની પૂજાથી પર્યાવરણને સ્વચ્છ અને સલામત રાખવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે, તેમજ સફાઈ માટે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. જો કોઈ બાળકોની જેમ આ પ્રકારની બીમારી થઈ જાય, તો તેમણે શીતળા માતાનું પૂજન કરવું જોઈએ. જેથી આવી બીમારીઓથી દૂર થઈ શકે, જે એક સાંકેતિક સ્વરૂપ છે.

શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રીઓ આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના-ઉપાસના કરે છે. આ સાધન-પૂજા અને કર્મ-પૂજા પોતાના જીવનમાં પણ સાકાર થાય એવી પ્રાર્થના કરે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને આ વ્રત કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.

આશા રાખીએ છીએ કે આપણી અને આવનારી પેઢી આ બધા તહેવારો પાછળનું સાચું માહાત્મ્ય સમજીને આ બધા વ્રત અને ઉપવાસ કરે અને આપણી વર્ષો જૂની પરંપરાઓને અનુસરે. આપ સહુને રાંધણ છઠ અને શીતળા સાતમની ખૂબ શુભેચ્છાઓ..!!!
બાકી તો સાપ ગયા અને લિસોટા રહ્યા. ઋષિમુનીઓએ વર્ણવેલા વાર-તહેવારોનું મહત્વ સમજવું અને અનુસરવું રહ્યું.

આપણી ભારતીય વૈદિક સંસ્કૃતિ કાર્ય કરતી વખતે કે કાર્ય પૂર્ણ થયા પછી સાધનોની ઉપેક્ષા કરવામાં માનતી નથી. કાર્યના ઉપયોગમાં આવતા સાધનો કાર્યસાધક બન્યાં, તેથી તેના માટે ગૌરવ રાખવું જોઈએ, જેમ કે સ્ત્રી ધંટી, ચૂલાની, ખેડૂત હળની, વેપારી ત્રાજવાની, પંડિત પુસ્તકોને પવિત્ર માની પૂજન કરે છે. માટે સેવાના સાધનોને પવિત્ર માની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂજન-અર્ચન કરવું રહ્યું. કાર્ય સાધનના અસ્થિત્વને ટકાવી રાખવા સમજ પૂર્વક પૂજન કરવાનું ભારતીય સંસ્કૃતિ યથાર્થ માને છે.
આજકાલ ઉજવાતા સગવડીયા તહેવારને બદલે સાચી સમજણથી વૈદિક રીતે તહેવારની ઉજવણી આપણી અને આપણી પેઢીને સલામતી ટકી રહે.

 

ડૉ.સુરેશભાઈ એચ.પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp