વસોની કોલેજમાં યુવતીની આત્મહત્યા મામલે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ, તેણીની સાથે ભણતો મિત્ર બ્લેકમેલ કરતો હોવાનો ઘટસ્ફોટ
ખેડા જિલ્લાના વસો પંથકમાં આવેલી એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતી 21 વર્ષિય યુવતીએ ગયા 4 માસ અગાઉ હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો.
આ પ્રકરણમાં ચોકાવનારો ખુલાસો બહાર આવ્યો છે. સમગ્ર મામલે આજે મરણજનાર યુવતીના પિતાએ એક યુવક સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.
આ યુવાને મરણજનાર યુવતી પાસે નાણાંની માંગણી કરતો અને નાણા ન આપે તો બંન્નેના અંગત સંબધના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાનો ખુલાસો થયો છે.
હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાધો
અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકાના એક ગામે રહેતી 21 વર્ષિય યુવતી ખેડા જિલ્લાના વસો પીજ રોડ પર આવેલ કૃષી યુનિવર્સિટીમા અભ્યાસ કરતી હતી.
ગત 11 મે ના રોજ સાંજે તેણીએ કોઈ કારણોસર પોતાની હોસ્ટેલના રૂમમાં બારીના ઉપરની સાઈડે દુપટ્ટો ભેરવી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટનાની જાણ વસો પોલીસને કરવામાં આવતા વસો પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સીઆરપીસી 174 મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી હતી.
પોલીસે આ યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામા તપાસ હાથ ધરી હતી
અને મરણજનાર યુવતીના સેલફોન અને લેપટોપ બન્ને કબ્જે કરી તપાસણી અર્થે એફએસએલમા મોકલ્યા હતા.
બન્ને વચ્ચે પ્રેમસંબંધ હતો
બીજી બાજુ આ મરણજનાર યુવતીનો સગોભાઈ પણ આજ કોલેજમાં અભ્યાસ કરતો હતો.
જેથી તેણે થોડા દિવસ અગાઉ પોતાના પિતાને જણાવેલ કે, પોતાની બહેને આપઘાત કર્યો
તે બાબતે પોલીસનો એફએસએલનો રિપોર્ટ આવ્યો કે નહીં ?
જે બાબતે પોલીસમા તપાસ કરવા જણાવ્યું હતું.
બીજી બાજુ તેના ભાઈએ તપાસ કરતા પોતાની બહેનના આગળના વર્ષમા અભ્યાસ કરતા વિરેન્દ્ર ભરતકુમાર ચૌધરી (રહે.ખતોડા, તા.વડનગર, જિ.મહેસાણા) તેણીનો ખાસ મિત્ર હતો. આ બન્ને વચ્ચે પ્રેમસંબંધ પણ હતો.
અવારનવાર આ બંને લોકો ફોન ઉપર વાતચીત કરતા હતા તે પણ તેના ભાઈને માલુમ હતું.
યુવક અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો
એટલું જ નહીં પરંતુ વિરેન્દ્રની કાળી કરતુતો વીશે પોતાની બહેને પોતાના મુખે ભાઈને કહી હતી.
જેમા યુવતીએ પોતાના ભાઈને કહ્યું હતું કે, વિરેન્દ્ર મારી પાસે 2500 રૂપિયાની માગણી કરે છે
અને જો નહી આપુ તો અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી રહ્યો છે.
તું આ બાબતે ઘરમા કોઈને કહીશ નહી હું નિવેડો લાવી દવ છું તેમ પોતાના ભાઈને કહ્યું હતું.
જોકે, આમ છતાં પણ તેણીએ 1500 રૂપિયાની વ્યવસ્થા કરી વિરેન્દ્રનને જે તે સમયે આપ્યા હતા.
પરંતુ આમ છતાં પણ વિરેન્દ્ર અવાર નવાર યુવતીને ટોર્ચર કરી આ અંગત ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવા દબાણ કરતો હતો.
યુવકે યુવતીના ભાઈને પણ મેસેજો કરેલા
યુવતીની આવી પરિસ્થિતિ વચ્ચે તેના ભાઈએ વિરેન્દ્ર ચૌધરીને મેસેજ કર્યો હતો
તો સામેથી રીપ્લાય આવ્યા બાદ યુવતીના ભાઈએ પોતાની ઓળખાણ આપી હતી
અને સામેથી જણાવ્યું કે કાંઈ કામ છે તો યુવતીના ભાઈએ ના પાડી હતી અને ફોન મૂકી દીધો હતો.
જેથી વિરેન્દ્ર અને આ યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની હકીકત પોતાના ભાઈને જાણવા મળી હતી.
આ ઉપરાંત યુવતીએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેના બે દિવસ અગાઉ વિરેન્દ્રનો તેણીના ભાઈ ઉપર મોબાઇલમાં મેસેજ આવેલો હતો કે, તને તારી બહેન વિશે કંઈ ખબર છે,
તું તારી બહેનને પૂછજે સિનિયર ચૌધરી અને તુલસી શું છે?
અને તું પહેલા તારી બહેનને આ બાબતે પૂછી જોજે જો તને તારી બહેન કંઈ ના કહે તો હું તને બધું કહીશ તને તારી બહેનની નથી પડી તો રહેવા દેજે થશે એ જોઈ લેજે તેવા મેસેજો આવેલા હતા.
દર પાંચ કલાકે રૂપિયા 1 હજાર આપવાની માગ કરી
આપઘાત બાદ આ વિરેન્દ્ર ઉપર શંકા જતા વિરેન્દ્ર અને યુવતી કોલેજમાં એકાદ વાર મળવાનું થયું હતું.
જેમાં વાતવાતમાં વિરેન્દ્રનો મોબાઇલ લઇ સર્ચ કરતા વિરેન્દ્રના ફોનમાં મરણજનાર યુવતીનો નંબર સેવ કરેલ હતો અને આપઘાત પહેલા તે સમયની વાતચીતના મેસેજો પણ તેના ભાઈએ જોયા હતા.
જેમાં તું ગમે ત્યાંથી પૈસા લઈ આવ મારે જરૂર છે નહીં તો આપણા ફોટા અને વીડિયો મોકલી આપીશ.
જે તારા જીજાજી પણ જોશે અને બંનેને પણ ખબર પડે આવી ધમકી આપી હોવાના મેસેજો હતા.
વિરેન્દ્ર વધારે પૈસા લેવા માટે મરણજનાર યુવતીને બ્લેકમેલ કરતા કહેલ કે, જો દર પાંચ કલાકે મારા ખાતામાં રૂપિયા 1 હજાર નહીં આવે તો હું આપણા સંબંધના અંગત વીડિયો અને ફોટા વાયરલ કરી દઈશ અને મેસેજ કરી બધું જણાવી દઈશ આવી ધમકી આપી હતી.
જેથી મરણજનાર યુવતીએ આ વિરેન્દ્રને જણાવ્યું કે હું આપઘાત કરું છું તેઓ મેસેજ વિરેન્દ્રના ફોનમાં હતા.
યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી
આ વિરેન્દ્રએ મરણ જનાર યુવતીને માનસિક રીતે ટોર્ચર કરી આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાનું તેના ભાઈને જાણવા મળતાં સમગ્ર હકીકત પોતાના પિતાને કહી હતી.
આજરોજ સમગ્ર મામલે યુવતીના પિતાએ ઉપરોક્ત વિરેન્દ્ર ભરતભાઈ ચૌધરી (રહે.ખતોડા, તા.વડનગર, જિ.મહેસાણા) સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ યુવાન સામે આઈપીસી 306 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.