નીડરતા, સત્ય પ્રત્યેની અડગતા અને ન્યાયપ્રિયતા ગાંધીજીને વારસામાં મળી

કહેવાય છે કે માણસને સંસ્કાર બે રીતે પ્રાપ્ત થાય છે જેમાં લોહીના સંસ્કાર અને સોબતના સંસ્કાર.
આ બે સંસ્કારોથી માનવજીવનનું ઘડતર થાય છે.
રાષ્ટ્રપિતા અને પોરબંદરના પનોતા પુત્ર ગાંધીજીને મળેલા લોહીના સંસ્કારો વિષે બહુ ઓછા લોકોને જાણ હશે.
નીડરતા, સત્ય પ્રત્યેની અડગતા અને ન્યાયપ્રિયતા ગાંધીજીને તેના દાદા ઉત્તમચંદ ગાંધી કે જે ઓતા ગાંધી તરીકે ઓળખાતા હતા તેમના તરફથી વારસામાં મળી હતી.
ગાંધીજીનો પરિવાર પોરબંદરમાં રાજકારણ સાથે જોડાયેલ પરિવાર હતો. ગાંધીજીના દાદા ઉત્તમચંદ ગાંધી કે જે ઓતા ગાંધી તરીકે પણ ઓળખાય છે.
તેમને પોરબંદરના રાણા ખીમોજીએ પોતાના દિવાન બનાવ્યા હતા.
પરંતુ ત્યારપછી ખીમોજી બહુ જીવ્યા નહીં અને ખીમોજીના મૃત્યુ બાદ ખીમોજીના સગીર પુત્ર વિક્રમાતજી ગાદીએ આવ્યા હતા.
સગીર હોવાને લીધે વિક્રમાતજીના બદલે રાજ્યનો વહીવટ રાજમાતા રૂપાળીબા ચલાવતા હતા.
તે સમયે પણ દિવાન તરીકે ઓતા ગાંધી પોતાની ફરજ બજાવતા હતા.
આ સમયે તેમને પોરબંદરના રાજમાતા સાથે સબંધોમાં ગાંઠ પડી જતાં ઓતા ગાંધી નિરાશ અને નારાજ થઈ પોરબંદર છોડીને જૂનાગઢ રાજ્યના તાબાના ગામ એવા પોતાના વતન કુતિયાણા રહેવા ચાલી ગયા હતા.
આ વાતની ખબર જૂનાગઢના નવાબને થતા તેમણે ઓતા ગાંધીને આદરપૂર્વક પોતાના દરબારમાં બોલાવ્યા હતા.
તે વખતે ઓતા ગાંધીએ નવાબને જમણા હાથે સલામી આપવાને બદલે ડાબા હાથે સલામી આપતા નવાબને પોતાનું અપમાન થયું હોય તેવું લાગ્યું હતું.
પરંતુ ઓતા ગાંધી જેવા કાબેલ માણસના આ કૃત્યમાં પણ કંઈક રહસ્ય હશે
તેવું નવાબને લાગતા તેમણે આમ કરવાનું કારણ શું છે ?
તેમ ઓતા ગાંધીને પૂછ્યું હતું. જેના જવાબમાં ઓતા ગાંધીએ જણાવ્યું હતું કે ‘જમણો હાથ તો પોરબંદરના રાણાને દેવાઈ ચૂક્યો છે’.
આમ, પોરબંદર રાજ્ય સામે અણબનાવ થયો હોવા છતાં ઓતા ગાંધીની પોરબંદર રાજ્ય પ્રત્યેની વફાદારી જોઈને નવાબ રાજી થયા હતા
અને તેમને કુતિયાણામાં વગર જકાતે વેપાર કરવાની પેઢી-દર પેઢી છૂટ આપી હતી.
આવા ઓતા ગાંધીના લોહીમાં રહેલા સંસ્કારો ગાંધીજીને વારસામાં મળતા ગાંધીજીએ પોતાના ખાનદાની સંસ્કારો વડે સમગ્ર વિશ્વને એક નવો જ રાહ ચીંધ્યો હતો.
શું હતો પોરબંદર સાથે અણબનાવનો મામલો ?
ઓતા ગાંધી જયારે પોરબંદરના દિવાન હતા ત્યારે પોરબંદર રાજ્યના ખજાનચી ખીમો કોઠારી રાજમાતાની નારાજગીનો ભોગ બનતા રાજમાતાએ તેને કેદ કરવાનો હુકમ કર્યો હતો.
નિષ્ઠાવાન ખીમોજી રાજમાતાના હુકમથી ગભરાઈ દિવાન ઓતા ગાંધીને શરણે ગયો હતો
અને પોતાની નિર્દોષતા અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆત સાંભળી ઓતા ગાંધીએ તેને નિર્ભયતા બક્ષી હતી.
જેથી રાજમાતાએ ઓતા ગાંધીને ખીમો કોઠારી સોંપી આપવા જણાવ્યું હતું.
જેના જવાબમાં ઓતા ગાંધીએ કહ્યું હતું કે મેં તેને જીવતદાન આપ્યું છે.
પરંતુ તેમ છતાં ખીમાનો કોઈ કસુર હોય તો
તેની સામે અદાલતમાં કાયદેસર રીતે કેસ ચલાવવો તે મને સ્વીકાર્ય છે.
જે વાતથી રાજમાતા નારાજ થતા ઓતા ગાંધીના ઘર સામે તોપ સાથેનું લશ્કર ગોઠવી દીધું હતું.
ત્યારે હાલના ગાંધીજીના જન્મસ્થળવાળા મકાનની બહાર રહેતા દિવાનના વફાદાર આરબ સૈનિકોએ પણ લડી લેવાનું અને સર્વસ્વ કુરબાન કરી દેવાનું રણશીંગુ ફૂંકી દેતા મામલો વધુ પેચીદો બની ગયો હતો.
આ સમાચાર રાજકોટ બ્રિટીશ એજન્સીમાં પહોંચી જતા એજન્સીના બ્રિટીશ અધિકારીઓને દિવાનનો પક્ષ સાચો લાગતા તેમણે દરમિયાનગીરી કરી રાજમાતાની ઝીદ છોડાવી અને ખીમા કોઠારીને મુક્ત કરાવ્યો હતો.
આમ, ઓતા ગાંધીના આ સત્યાગ્રહનો વિજય થયો હતો.
એ વખતે તેમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેમના દીકરાનો દીકરો ‘ગાંધીજી’ ટેકને ખાતર, સ્વમાનને ખાતર, સત્યને ખાતર સર્વસ્વ અર્પણ કરવાના પાઠ એક દિવસ આખી દુનિયાને શીખવશે.