4 વર્ષથી ન લેવાયેલી ટેટ 1, 2નાં ફોર્મ 21 ઓક્ટોબરથી ભરી શકાશે, 3 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી શકે
ચાર વર્ષથી ન લેવાયેલી ટેટ-1 અને ટેટ-2 પરીક્ષાના કાર્યક્રમની શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે, ટેટ માટે 3.5 લાખ ઉમેદવાર પરીક્ષા આપે તેવી તૈયારી રાજ્ય સરકારે કરી છે. ટેટ 1-2 પરીક્ષામાં આપવા માટેનાં ઓનલાઇન ફોર્મ 21 ઓકટોબરથી 5 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ભરી શકાશે.
જ્યારે 17મી ઓક્ટોબરે જાહેરનામું પ્રસિદ્ધ થશે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેની ઉપસ્થિતિમાં યોજાયેલા એક્સલન્સ ઇન હાયર એજ્યુકેશન કાર્યક્રમ પછી શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ટેટ 1-2 પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
ધોરણ 1થી 8માં વિદ્યા સહાયક તરીકે પસંદગી મેળવવા રાજ્યના શિક્ષણ વિભાગે ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.
પરીક્ષાની જાહેરાત કરતા મંત્રી વાઘાણીએ કહ્યું કે, વહીવટી કારણોસર પરીક્ષા લેવી જરૂરી હતી.
આ પરીક્ષાનાં ફોર્મ અને ફી બંને ઓનલાઇન ભરી શકાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં સરકારે 2600 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરી હતી,
જેમાં ધો. 1થી 5માં 1 હજાર અને ધો. 6થી 8માં 1600 મળી કુલ 2600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે.
હાલ ટેટ 1, 2 પાસ 65 હજારથી વધુ ઉમેદવાર
અગાઉ વર્ષ 2017-18માં ટેટની પરીક્ષા લેવાઈ હતી.
ટેટ-1 અને ટેટ-2 પરીક્ષા પાસ કરનારા 65 હજાર ઉમેદવારો છે
ત્યારે રાજ્ય સરકારે વધુ એક નવી પરીક્ષાની જાહેરાત કરી છે.