વિદ્યાસહાયકની ભરતીમાં અન્યાય અંગે ઉમેદવારોની રાષ્ટ્રપતિને રજૂઆત
રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં હાલમાં 13000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
જેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય ઉપર પડી રહી છે.
ત્યારે આરટીઇ-2009ના કાયદા મુજબ 11700 શિક્ષકોની જગ્યાઓ ભરવાનો નિયમ છે.
તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા વિદ્યાસહાયકની ભરતી ઓછી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે રાષ્ટ્રપતિને લેખિત રજુઆત વિદ્યા સહાયકના ઉમેદવારોએ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા કોઇપણ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે નહી તે માટે ફરજિયાત શિક્ષણનો કાયદો-2009ની અમલવારી કરવામાં આવી છે.
પરંતુ ફરજિયાત શિક્ષણના કાયદાની અમલવારી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં કરવામાં આવતી નહી હોવાનો આક્ષેપ વિદ્યાસહાયકની લાયકાત ધરાવતા ઉમેદવારોએ કર્યો છે.
ઉપરાંત શાળાઓમાં ખાલી શિક્ષકોની જગ્યાઓ કાયમી વિદ્યાસહાયકથી ભરવામાં ઓછી આવી રહી છે.
જ્યારે તેની સામે પ્રવાસી શિક્ષકોની જગ્યાઓ દસ હજાર જેટલી ભરવામાં આવી છે.
જેને પરિણામે વિદ્યાસહાયકની લાયકાત ધરવતા ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે.
વિદ્યાસહાયકની ભરતી આરટીઇ-2009ના કાયદા મુજબ કુલ ખાલી જગ્યાના આધારે કરવા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજુઆત રાજ્યના શિક્ષણમંત્રીને કરવામાં આવી છે.
ઉપરાંત વિરોધ કાર્યક્રમો ચલાવવામાં આવ્યા છે.
તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાસહાયકની ભરતીમાં અન્યાય જ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે.
આથી કંટાળેલા વિદ્યાસહાયકના ઉમેદવારોએ રાષ્ટ્રપતિને લેખિત રજુઆત કરી છે.
જેમાં રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં હાલમાં 13000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
તેની સામે આરટીઇ એક્ટના કાયદા મુજબ 90 ટકા જગ્યાઓ ભરવી જોઇએ.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 11700 જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવી પડે તેની સામે માત્ર 6100 વિદ્યાસહાયકની ભરતી કરીને વિદ્યાસહાયકની લાયકાત ધરાવતા રાજ્યભરના સવા લાખ જેટલા ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે રજુઆત કરવામાં આવી છે.
રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં હાલમાં 13000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.