અમદાવાદમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા આચાર્યને આજીવન કેદની સજા

શાહપુર મ્યુનિ શાળા નં.5-6 માં 8 વર્ષની બાળકી પર શારીરિક અડપલા કરી દુષ્કર્મ ગુજારનાર પ્રિન્સિપાલ સુનીલકુમાર ડાભીને પોક્સો કોર્ટના ખાસ જજ પી.કે.રાણાએ દોષિત ઠેરવી આજીવન કેદની સજા
અને રૂ.7 હજાર દંડનો આદેશ કર્યો છે.
ભોગ બનનાર બાળકીને રૂ.2 લાખ વળતર ચુકવવાનો પણ નિર્દેશ કર્યો છે.
શાહપુર મ્યુનિસિપલ શાળા નં5-6માં વર્ષ 2017માં 8 વર્ષની બાળકી અભ્યાસ કરતી હતી,
ત્યારે શાળાના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા સુનિલકુમાર 15 સપ્ટેમ્બર 2017ના રોજ બાળકીને શાળાના ઉપરના માળે બંધ રૂમમાં લઇ જઈ ધમકાવીને દુષ્કર્મ કર્યુ હતું.
આ ઘટના અંગે બાળકીની માતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગંભીરતા ધ્યાને રાખી તપાસ હાથ ધરીને આરોપી સુનિલકુમારની ધરપકડ કરી પોક્સો કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
આ કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દેવેન્દ્ર પઢિયાર તેમજ ભોગ બનનાર બાળકી તરફે એડવોકેટ ગુલાબખાન પઠાણ અને મોઇનખાન પઠાણ હાજર રહ્યાં હતાં.
ફરિયાદીના વકીલે દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓ તપાસ્યા હતાં.
તેમજ સરકારી વકીલે ઇન કેમેરા ભોગ બનનાર બાળકીની જુબાની લીધી હતી.
તેમાં બાળકીએ તેની સાથે આરોપીએ કરેલ કૃત્ય અંગે ફીટ જુબાની આપી હતી.
તેમજ આરોપીનો ફોટો જોઇને તેણે આરોપીને ઓળખી બતાવ્યો હતો.
કોર્ટે રેકર્ડ પર આવેલા દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાની તેમજ ભોગ બનનાર બાળકીની જુબાની ગ્રાહ્ય રાખી આરોપીને દોષિત ઠેરવી આજીનવ કેદની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.