ગાંધીનગરના ચંદ્રાલાથી ખાનગી બસમાં દારૂના જથ્થાની હેરફેર ઝડપાઈ, પોલીસે 15.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમમાં વાહન ચેકીંગ દરમ્યાન ખાનગી બસમાં 90 હજારનો દારૂ અને બિયરના જથ્થાની હેરાફેરી ઝડપાઈ હતી.
પોલીસે બે ડ્રાઇવરોની ધરપકડ કરી કુલ રૂ. 15.96 લાખનો મુદામાલ જપ્ત કરી ચીલોડા પોલીસે ગુનો નોંધ્યો હતો.
તેમજ ફરાર કંડકટર અને બુટલેગરની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ચીલોડા પોલીસ વાહન ચેકીંગ કરતી હતી
ચીલોડા પોલીસ નિત્યક્રમ મુજબ ચંદ્રાલા ગામની સીમમાં વાહન ચેકીંગ કરી રહી હતી.
એ દરમિયાન હિંમતનગર તરફથી આવતી ખાનગી બસને રોકી દઈ ડ્રાઈવર પ્રભુ ગણેશ દયાલ અને સહાયક ડ્રાઈવર પ્રહલાદસિંહ ધન્નાસિંહ રાજપૂત (રાજસ્થાન) ને સાથે રાખી મુસાફરોનો સામાન ચેક કરવામાં આવ્યો હતો.
એ દરમિયાન કેટલાક મુસાફરો તેમજ કંડક્ટર જયસિંહ ખેરવડ ફ્રેશ થવા માટે ગયા હતા.
પાર્સલોની આડમાં દારૂની હેરાફેરી
ત્યારે બસની પાછળની સામાન મુકવાની ડેકીમાં તપાસ કરતા ડેકીમાંથી ખાખી પુઠાના સેલો ટેપ લગાવી પેક કરેલા કુલ -11 પાર્સલો મળી આવ્યાં હતા.
જેથી બસના ડ્રાઇવરને આ પાસલોં અંગે પુછપરછ કરતા કોઇ સંતુષ્ઠ જવાબ મળ્યો ન હતો.
એટલે પોલીસને અંદાજો આવી ગયો હતો કે, અંદર શંકાસ્પદ ચીજ વસ્તુ હોવી જોઈએ.
બાદમાં પોલીસે પાર્સલોની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની 672 નંગ બોટલો તેમજ બિયરનાં 216 નંગ ટીન મળી આવ્યાં હતા.
આથી ડ્રાઈવરની પૂછતાંછ કરતાં રાજસમંદ રાજસ્થાન ખાતેથી કંડકટર જયસિંહ ખેરવડ (રાજસ્થાન)એ મહેન્દ્ર ઉર્ફ નરેશ રેબારીને (રહે.આમેટ રાજસ્થાન) દારૂના પાર્સલ સાથે રાજસમંદ રાજસ્થાન ખાતેથી બેસાડેલ હતો.
આ પાર્સલો લઇ જવાના બદલામાં રૂ. 4 હજાર આપવાનું નક્કી થયું હતું.
કંડક્ટર-બુટલેગર ફરાર થઈ ગયા
મુસાફરો સાથે ફ્રેશ થવા ગયેલો કંડકટર જયસિંહ તથા આ પાર્સલ લઈને આવેલ મહેન્દ્ર રેબારી બસમાં પોલીસને જોઈને પાછા આવ્યાં ન હતા.
જેથી પોલીસે ડ્રાઇવર પ્રભુ ગણેશ દયાલ અને સહાયક ડ્રાઈવર પ્રહલાદસિંહ ધન્નાસિક રાજપૂત પાસેથી દારૂ બિયરનો જથ્થો,
મોબાઈલ ફોન તેમજ લકઝરી બસ મળીને કુલ રૂ. 15.96 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.