અમદાવાદમાં LIC એજન્ટે ચાર પોલિસીના 11 લાખ જમા ન કરી ઠગાઈ આચરી

અમરાઈવાડીના વકીલને એલઆઈસીના એજન્ટ હોવાનું કહીને ચાર પોલિસી લેવડાવી પોલિસીના પૈસા જમા ન કરાવતો હોવાથી પોલિસી બંધ થઈ ગઈ હોવા છતા વકીલ પાસેથી પૈસા મેળવી કુલ રૂ.11.25 લાખની ઠગાઈ કરી હતી.
આ મામલે અમરાઈવાડી પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
અમરાઈવાડીમાં રહેતા અને ઘી કાંટા મેટ્રોકોર્ટમાં વકિલાત કરતા ધર્મેન્દ્રસિંહ ચૌહાણને નરોડા ખાતે રહેતો પવનકુમાર પ્રજાપતિ સંપર્કમાં આવ્યા હતા.
પવનકુમારે પોતે એલઆઈસીના એજન્ટ હોવાનું જણાવીને પોલિસી લેવા માટે ધર્મેન્દ્રસિંહને જણાવ્યું હતુ.
જેથી ધર્મેન્દ્રસિંહે તેમની તથા તેમના પરીવારની અલગ અલગ ચાર પોલિસી પવનકુમાર પાસેથી લીધી હતી.
દર ત્રણ મહિને પવનકુમાર ધર્મેન્દ્રસિંહના ઘરે આવીને પોલિસીના પૈસા લઈને જતો હતો.
જો કે વર્ષ વિતી ગયું તેમ છતા પવનકુમારે પોલિસીઓના ભરેલ પૈસાની ડીટેલ આપી ન હતી.
જેથી ધર્મેન્દ્રસિંહે ડીટેલ માંગી તો પવને તમને આપી દઈશ તેમ જણાવતો હતો
પરંતુ ભરેલા પૈસાની કોઈ માહિતી આપતો ન હતો.
જેથી આ મામલે ધર્મેન્દ્રસિંહે બીજા એજન્ટને પોતાની પોલિસી અંગેની તપાસ કરાવતા જાણવા મળ્યું કે તેમની પોલિસીના હપ્તા ભરાતા નથી
અને પોલિસી બંધ થઈ ગઈ છે. જેથી પવનકુમાર પોલિસીના નામે પૈસા લઈ જાય છે
પરંતુ પૈસા ન ભરી કુલ રૂ.11.25 લાખની ઠગાઈ કરી હતી.
આ મામલે ધર્મેન્દ્રસિંહે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.