દાહોદ જિલ્લામાં લગ્નના ઈરાદે ત્રણ શખ્સોએ ત્રણ સગીરાઓના અપહરણ કર્યા
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએથી ત્રણ સગીરાઓના અપહરણ કરવામા આવ્યા છે.
લગ્નની લાલચ આપી પત્ની તરીકે રાખવાના ઈરાદે ત્રણ અલગ અલગ શખ્સોએ ત્રણ સગીરાઓના અપહરણ કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવાઈ છે.
માતાએ તરત જ ફરિયાદ નોંધાવી દીધી
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં બન્યો હતો.
જેમાં ગત તા.12 મી ઓક્ટોબરના રોજ દાહોદ શહેરના ગૌશાળા પાસે ભીલવાડા ખાતે રહેતા શખ્સે દાહોદ શહેરમાં રહેતી એક 17 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી પત્ની તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા દાહોદ એ. ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના પિતાએ ફરિયાદ નોંધાંવી
સગીરાના અપહરણનો બીજો બનાવ ધાનપુર તાલુકાના લીમડી મેંદરી ગામે બન્યો હતો.
જેમાં ગત તા.3 ઓક્ટોબરના રોજ ધાનપુર તાલુકાના કંજેટા ગામે ધીરજપુરા ફળિયામાં રહેતો શખ્સ ધાનપુર તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાનુ લગ્નની લાલચ આપી પત્ની તરીકે રાખવા સારૂં અપહરણ કર્યુ હતુ.
આ સંબંધે સગીરાના પિતા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
12 દિવસ બાદ ફરિયાદ નોંધાવાઈ
સગીરાના અપહરણનો ત્રીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ભુતપગલા ગામે બન્યો હતો.
જેમાં ગત તા.1 સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના ડભવા ગામે રહેતો શખ્સે દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી 16 વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી હતી.
તેને પત્ની તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.