શિશુનું માથું-એક હાથ બહાર નીકળ્યા બાદ પ્રસૂતાને રિફર કરતાં બંનેનાં મોત

દાહોદ જિલ્લાના લીમખેડાના સરકારી દવાખાનામાં પ્રસુતિ માટે દાખલ કરાયેલી મહિલાને અંત સમયે શિશુના હાથ અને માથુ બહાર આવી ગયા બાદ સ્ટાફે હાથ ઉંચા કરીને તેને રીફર કરી હતી.
નજીકના દવાખાને લઇ જવાતાં ઓપરેશન કરતાં બાળકી મૃત થઇ હતી.
લોહી બંધ નહીં થતાં અંતે ઝાયડસ ખસેડાયેલી પ્રસુતાનું પણ મોત થઇ ગયું હતું.
પરિવાર અને ગ્રામજનોમાં સરકારી દવાખાનાના સ્ટાફની બેદરકારી મામલે રોષ ફેલાયો હતો.
આ મામલે પ્રાંત કચેરીમાં આવેદન આપીને તમામ સ્ટાફને સસ્પેન્ડ કરવાની માગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
લીમખેડા તાલુકાના નાના હાથીધરા ગામના જગદીશભાઇ ચૌહાણની દિકરી કવિતાબેનને પ્રસુતિ માટે 4 ઓક્ટોબરના રોજ બપોરના 12.30 વાગ્યે લીમખેડાના સરકારી દવાખાને લઇ જવાઇ હતી.
દવાખાનામાં ગાયનેક ન હોવા છતાં તેને પ્રસુતિ માટે દાખલ કરી લેતા રાતના 8.30 વાગ્યે પ્રસુતિની પીડા ઉપડી હતી.
આ વખતે બાળકનું માથુ અને એક હાથ બહાર નીકળ્યા હતા.
કોમ્પલીકેશન સર્જાતા સ્ટાફે હાથ ઉંચા કરીને કવિતાબેનને બીજા દવાખાને લઇ જવાનું કહી દીધુ હતું.
દવાખાનામાંથી એમ્બ્યુલન્સ પણ નહીં આપતાં પરિવારે તાત્કાલિક વ્યવસ્થા કરીને કવિતાબેનની પરીસ્થિતિ જોઇને તેને લીમખેડાના જ ખાનગી દવાખાનેત્યાં ઓપરેશન કરતાં બાળકી મૃત થઇ હતી.
કવિતાબેનને લોહી બંધ નહીં થતાં તેમને ઝાયડસ લઇ જવાયા હતાં.
ત્યાં અડધા જ કલાકમાં કવિતાબેનનું પણ નિધન થયું હતું.
આ ઘટનાથી પરીવારમાં શોક સાથ રોષની લાગણી ફેલાઇ ગઇ હતી.
સરકારી દવાખાના સ્ટાફની બેદરકારીથી બંનેનું મોત થયું હોઇ વિધિ બાદ પરિવારે લીમખેડા પ્રાંત કચેરીમાં આવેદન આપ્યુ હતું.
આવેદનમાં જણાવાયુ હતું કે, લીમખેડા સરકારી દવાખાનું તાલુકા લેવલે હોવા છતાં પણ ડોક્ટરો હાજર રહેતા નથી.
સામાન્ય સ્ટાફ જ હાજર રહે છે. આવા ડોક્ટરો તથા હેડ સંચાલન કરનાર તમામને સસ્પેન્ડ કરવામાં આવે છે.
અહીં સારવાર માટે જનારને ઝાયડસમાં જ મોકલી આપે છે.
તપાસ કરી તમામ સ્ટાફને સસ્પેન્ડ કરી નવો સ્ટાફ ભરી જાહેર જનતાને યોગ્ય સારવાર મળે તે માટે યોગ્ય પગલાં ભરવા વિનંતિ કરાઇ હતી.
જો યોગ્ય ન્યાય નહીં મળે તો એક સપ્તાહમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આવેદન પત્રમાં ઉચ્ચારવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, આદિવાસી બાહુલ્ય ધરાવતા઼ વિસ્તારોમાં આરોગ્યની કથળતી સેવાઓ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઇ સુવિધા ઉભી કરવામાં ન આવતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે.
ત્યારે સુવિધા ઉભી કરવામાં આવે તેવી લોકોની માગણી છે.