ગાંધીનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને 3.86 લાખની મત્તા ચોરીને ફરાર
ગાંધીનગરનાં ઉવારસદ ટીપી- 9 માં આવેલા પ્રમુખ એલીજીયમ સોસાયટીના બંધ ફ્લેટના દરવાજાનો નકુચો તોડી તસ્કરો અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ મળીને કુલ 3 લાખ 86 હજાર 500 ની મત્તા ચોરી કરી હતી.
જે બાદ ફરાર થઈ જતા અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
માતા અને પુત્ર વતનમાં ગયા હતા
ગાંધીનગરના ઉવારસદ ટીપી – 9 પ્રમુખ એલીજીયમ ફ્લેટ નંબર ડી-301 માં અનસુયાબેન ભગવાનભાઇ ગજ્જર દીકરા ઉર્જાશ સાથે રહે છે.
ગત તા. બીજી ઓક્ટોબરના રોજ સવારના દસ વાગે અનસુયાબેન તેમના દીકરા ઉજાશ સાથે સુરેન્દ્રનગર વતનમાં માતાજીના નૈવેદ કરવા માટે ઘરને તાળુ મારીને ગયા હતા.
તસ્કરોએ બંધ ફ્લેટમાં ત્રાટકી 3.86 લાખની મત્તા ચોરી લીધી
ગઈકાલે પરત ફરતા ઘરનો નકુચો તુટેલ જોઈ ચોંકી ઉઠયા હતા.
બાદમાં ઘરમાં જઈને તપાસ કરતાં ટુ બી.એચ.કે ફલેટ્નાં બન્ને રૂમોના દીવાલમા બનાવેલ લાકડાના કબાટ ખૂલ્લા હતા.
તેમા મુકેલ સામાન તેમજ ખાનાઓ નીચે વેરણ છેરણ હાલતમા પડ્યા હતા.
તેમજ કબાટમાં મુકેલ રૂ. 25 હજાર રોકડા, ચાંદીની પાયલ 1 જોડ, સોનાની બુટી 1 જોડ, સોનાની ચેન પેન્ડલ સાથે, સોનાની બંગડી, સોનાની લગડીઓ, સોનાની બુટી, સોનાનુ ઓમનુ પેન્ડલ અને ચાંદીના દાગીના મળીને કુલ રૂ. 3 લાખ 68 હજાર 500 મત્તા તસ્કરો ચોરી ગયાનું માલુમ પડયું હતું.
આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
અને ડોગ સ્કવોડ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી આસપાસના વિસ્તારોમાં તપાસ કરી સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી હતી.