રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાતા રીઢા બુટલેગર પ્રકાશ ડાંગીના વિદેશી દારૂનાં નેટવર્કનો પર્દાફાશ, 13.93 લાખનો મુદામાલ જપ્ત

ગુજરાતમાં વિદેશી દારૃ ઘૂસાડવામાં માહેર ગણાતા રાજસ્થાનના રીઢા બુટલેગર પ્રકાશ ડાંગીનાં દારૂની હેરફેરના નેટવર્કનો પર્દાફાશ કરી ચીલોડા પોલીસે આઈ – 20 અને બ્રેઝા ગાડીમાં અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂ અને બિયર મળીને 2 હજાર 652 નંગ દારૂનો જથ્થો ઝડપી પાડી બે ખેપીયાંની ધરપકડ કરી કુલ રૂ. 13.93 લાખનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિદેશી દારૂની પેટીઓ ભરેલી ગાડીઓ અમદાવાદ તરફ જતી હતી
ગુજરાતમાં અરવલ્લી રતનપુર ચેકપોસ્ટ માર્ગે વિદેશી દારૂ ઘુસાડવા માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે.
વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ જિલ્લાની વિવિધ આંતરાજ્ય સરહદ પરથી ઘુસાડવામાં આવી રહ્યો છે.
રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલા શામળાજી, ભિલોડા અને મેઘરજ પંથકમાં મોટા પ્રમાણમાં દારૂના કટિંગનો ધંધો ધમધમી રહ્યો છે.
મુખ્ય માર્ગ પરથી ન આવતા બુટલેગરો અંતરીયાળ માર્ગોનો ઉપયોગ કરીને પણ દારૂ ઘુસાડી રહ્યા છે.
ત્યારે ચીલોડા પોલીસ મથકના પીઆઈ એન્ડરસન એસ અસારીને બાતમી મળી હતી કે, વિદેશી દારૂની પેટીઓ ભરીને બ્રેઝા અને આઈ 20 કાર હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જવાની છે.
ફિલ્મીઢબે પીછો કરીને બ્રેઝા કાર મહુન્દ્રા પાટીયાથી આંતરી લેવામાં આવી
જેનાં પગલે ચીલોડા પોલીસની ટીમ અલગ અલગ ખાનગી વાહનોમાં બેસી મહેન્દ્રા પાટીયા પાસે હિંમતનગર તરફથી આવતા હાઇવે રોડ ઉપર થોડા થોડા અંતરે વોચમાં ગોઠવાઇ ગઈ હતી.
તે દરમ્યાન હિંમતનગર તરફથી બાતમી વાળી ગાડીઓ આવતા હાઇવે પર ખાનગી વાહનોની આડાસ કરી બંન્ને ગાડીઓ રોકાવવા કોશીષ કરતા આઈ-20 ગાડી રોકાઇ ગઈ હતી. પરંતુ બ્રેઝા ગાડીના ચાલકે ગાડીને ભગાડી મુકી હતી. જેને ફિલ્મી ઢબે પીછો કરીને મહુન્દ્રા પાટીયાથી આંતરી લેવામાં આવી હતી.
ડુંગરપુરના ઠેકા ઉપરથી રીઢા બુટલેગર પ્રકાશ ડાંગીએ દારૂ ગાડીઓમાં ભરી આપ્યો
બાદમાં પોલીસે બંને કારની તલાશી લેતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 2172 નંગ બોટલો તેમજ બિયરનાં 480 નંગ ટીન મળી આવ્યા હતા.
આ અંગે ગાડીના ચાલકોની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ જગદિશ ઉર્ફે જગદિશચંદ્ર દેવીલાલ પટેલ(રહે.બિલેટી ગ્રંથી ગામ પોસ્ટ સવાસ તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાન) અને ગાડુરામ ભગીરથરામ બિશ્નોઈ(રહે.માનકી ગામ, ધોરીમન્ના,બાડમેર રાજસ્થાન) હોવાનું જણાવી કબૂલાત કરી હતી કે, દારૂ તથા બિયરના ટીનની પેટીઓ બંન્ને ગાડીઓમાં ભરી શૈલેષ જૈન તથા પ્રિતેશ શેઠનાં કહેવાથી ડુંગરપુર ખાતેના ઠેકા ઉપરથી પ્રકાશ ડાંગી(રહે.ડુંગરપુર રાજસ્થાન) એ ભરી આપ્યો હતો.
અને અમદાવાદ પહોંચીને શૈલેષ જૈન અને પ્રિતેશ શેઠ કહે તે ઈસમને ડીલીવરી કરવાનો હતો.
જેનાં પગલે ચીલોડા પોલીસે દારૃ અને બિયરનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ બંને કાર મળીને કુલ રૂ. 13.93 લાખનો મુદામાલ જપ્ત કરી રીઢા બુટલેગર પ્રકાશ ડાંગી સહિત પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.