ગાંધીનગરના ચંદ્રાલા હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન લકઝરી બસમાંથી દારૂના જથ્થા સામે મુસાફર ઝડપાયો
ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમમાં આવેલ આગમન હોટલ સામે વાહન ચેકીંગ દરમ્યાન અશોક ટ્રાવેલ્સની લકઝરી બસમાંથી ચીલોડા પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની 24 નંગ બોટલો સાથે મુસાફરને ઝડપી પાડી 26 હજાર જેટલો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસે લકઝરી બસમાં મુસાફરોના સામાનની તલાશી લીધી
ગાંધીનગરનાં ચંદ્રાલા ગામની સીમમાં આવેલ આગમન હોટલ સામે ચીલોડા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું.
એ દરમ્યાન હિંમતનગર તરફથી અશોક ટ્રાવેલ્સની મનસોર અમદાવાદ રૂટની ટ્રાવેલ્સ બસ નાકા પોઈન્ટ પર પહોંચતા તેને રોકી દેવાઈ હતી.
બાદમાં ડ્રાઈવર કંડકટરને સાથે રાખી પોલીસે લકઝરી બસમાં મુસાફરોના સામાનની તલાશી શરૂ કરી હતી.
ઉદેપુરનાં મુસાફર પાસેથી દારૂની બોટલો મળી આવી
બસમાં સવાર પેસેન્જરોનો સામાન ચેક કરતાં એક પેસેન્જર પોતાની સીટ નીચે બે થેલા સંતાડીને શંકાસ્પદ રીતે બેઠો હતો.
જેથી તેની પાસે જઈને પોલીસે થેલો ચેક કરતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 24 નંગ બોટલો મળી આવી હતી.
જે અંગે મુસાફરની પૂછતાંછ હાથ ધરવામાં આવતા તેણે પોતાનું નામ વિકાસ શાંતિલાલ પન્નાલાલ વીટા (ઉ.વ.૩૨ રહે.68 આનંદનગર વોર્ડ નંબર-18 શાસ્ત્રી સર્કલ ઉંદયપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.
આ દારૂની હેરફેર અંગે વિકાસે સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસે તેની ધરપકડ કરી 24 નંગ દારૃની બોટલો,
એક મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 26 હજારની કિંમતનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.