મહેમદાવાદના કનીજમા આઠમા નોરતે યુવતીની છેડતી, સામસામે ફરિયાદ નોંધાઇ..

મહેમદાવાદ પંથકના કનીજ ગામે નવરાત્રિ પર્વના ચાલી રહેલા ગરબામાં એક યુવતીનો પીછો કરી તેણીને બળજબરી પૂર્વક ગાડીમા બેસાડી છેડતી કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ બાબતે ઠપકો આપતાં મામલો બિચકતા મહેમદાવાદ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોધાઈ જવા પામી છે.
યુવતીને બળજબરીથી પોતાની કારમા બેસાડી દીધી
મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે રહેતી એક યુવતી ગત 2 ઓક્ટોબરના રોજ રાત્રે ગરબા જોવા ગામમા નીકળી હતી.
આ દરમિયાન ગામમા રહેતા બે શખ્સોએ પોતાની સ્વિફ્ટ કાર ચલાવીને આ યુવતીનો પીછો કર્યો હતો.
દરમિયાન એકલતાનો લાભ લઇ આ બન્ને શખ્સો યુવતીને બળજબરીથી પોતાની કારમા બેસાડી દીધી હતી.
જોકે, બુમરાણ મચાવી આ યુવતી આ બન્ને યુવાનોના ચૂંગાલમાંથી છુટી ગઈ હતી.
ઠપકો કરવા આવેલા લોકો પર હુમલો કર્યો
સમગ્ર બાબતે યુવતીએ પોતાના સ્વજનોને જણાવતાં સ્વજનો ઠપકો આપતાં સાત શખ્સોએ ગેરકાયદે મંડળી રચી એક સંપ થઈ આવી ઠપકો કરવા આવેલા લોકો પર લાકડી દંડા વડે હુમલો કર્યો છે.
આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ ઉપરોક્ત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
સામા પક્ષની ફરિયાદ
સામાપક્ષે કનીજ વાંટા ગામે રહેતા લોકોની ફરિયાદમાં જણાવાયું છે કે, પોતાના વિસ્તારમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમા તે આયોજક છે.
ગત 2 ઓક્ટોબરના રોજ માતાજીના ચોકમાં ગામના કલાકારને આમંત્રણ આપ્યું હતું.
આશરે સાડા અગીયાર વાગ્યાની આસપાસ માતાજીના ગરબાના ચોકથી રબારીવાસ તરફ જવાના રસ્તા ઉપર બુમરાણ થતા યુવાનો ત્યાં દોડી આવ્યા હતા.
અહીંયા ગામના પટેલ વાસમાં રહેતા પાંચ શખ્સોએ અમારી સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલી અને ગડદાપાટુનો માર માર્યો હતો.
જેથી ઉપરોક્ત 5 લોકોને ફરિયાદ નોંધાવી છે.