કપડવંજના ઘડિયા ગામે ભવ્ય લોકમેળાનું આયોજન; વહાણવટી માતાજીના દર્શને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
કપડવંજથી 18 કિલોમીટર દૂર આવેલું આ ગામ શ્રી વહાણવટી માતાજીના લોકપ્રિય મંદિરથી સમગ્ર ગુજરાત અને દેશભરમાં ખ્યાતિ પામ્યું છે.
આ મંદિરને વધારે ભવ્ય અને સુંદર બનાવવા માટે શ્રી વહાણવટી ટ્રસ્ટ ઘડિયાની 1984માં સ્થાપના થઈ અને સમય જતાં માઈ ભક્તો અને શ્રદ્ધાળુઓની લાગણીને માન આપી સવંત 2015માં શ્રી વહાણવટી માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું.
બે દિવસથી લોકમેળાનો માહોલ જામ્યો
કપડવંજ તાલુકાના ઘડિયાના ધામમાં નવરાત્રિ પર્વમાં ભવ્ય નવરાત્રિના ગરબા અને સાતમ, આઠમ અને નોમના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા બે દિવસથી અહીં લોકમેળાનો માહોલ જામ્યો છે. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતાં અહીં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા
ગત આઠમની રાત્રીએ તો પાર્કિંગ પણ નાનું પડે એમ આજુ બાજુના ગામ ઉપરાંત દૂર-દૂરથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી.
ઘડિયા ગામ સહિતના આજુબાજુના ગામના લોકો પણ માના ગરબે રમવા આતુર હોય એમ મોજથી ગરબા માણ્યાં હતાં.
જેમાં ત્રણ દિવસ અંદાજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા.
મોટી સંખ્યામાં ગરબા, ચકડોળ, રાઈડો, ખાણી-પીણી સહિત રંગબેરંગી રમકડાંની દુકાનો સહુનું ધ્યાન ખેંચે છે.
તો બીજી બાજુ બે વર્ષ કોરોના કાળના કારણે મેળો બંધ રહેતાં મસ મોટા ચકડોળ અને રાઇડોમાં બેસવા અને ફોટો પડાવવા ગામડાંના બાળકો કાગડોળે આતુર હોય એમ ચકડોળમાં બેસતાં જ ખિલી ઉઠ્યા હતા
મેળામાં અવનવા સ્ટોલ ઉભા કરાયા
અહીં ઘણાં બધા સ્ટોલ ઉભા કરવામાં આવે છે
અને લોકો મેળાનો આનંદ ઉલ્લાસપૂર્ણ રીતે માણી શકે તે માટે વહીવટી મંડળ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉપરાંત દશેરાના દિવસે પણ અનેક માઇ ભક્તો આવીને દર્શન કરે છે.
એકમથી દશેરા સુધી માટીના ઘડુલિયા કે “ગરબા” અહીં લોકો શ્રદ્ધાના ભાગરૂપે મૂકવા આવે છે.
એમાં ઘણાં લોકો તો અનેકવિધ માનતાઓ પૂર્ણ થતાં આ ગરબા પગપાળા યાત્રા કરીને મૂકવા માટે આવે છે.
નવરાત્રિમાં 50થી 60 હજાર ગરબા આવે છે
અંદાજે દર વર્ષે અને એમાંય નવરાત્રિના પર્વમાં 50થી 60 હજાર અને એનાથી વધારે ગરબા અહીં શ્રદ્ધાળુઓ અને ભક્તો લઈને આવે છે.
તેમજ વર્ષ દરમિયાન પણ ગરબા મુકવા શ્રદ્ધાળુઓ આવતાં રહે છે.