જિલ્લાના આઉટ સોર્સિંગ કર્મીઓની વિવિધ માંગણીઓ સાથે મહારેલી
નવસારીમાં વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાકટ પ્રથા બંધ થાય અને કર્મીઓને પગાર સહિત બંધારણમાં મળેલી સરકારી યોજનાનો લાભ મળે તે માટે વિવિધ મુદ્દાઓને લઈ શ્રમિક કામદાર કલ્યાણ સંઘ નવસારીના નેજા હેઠળ રેલીનું આયોજન કરાયું હતું.
આ રેલી કલેકટર કચેરીમાં જઈ કલેકટરને ઉદ્દેશીને અધિક કલેકટરને આવેદનપત્ર આપી 3 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.
શ્રમિક કામદાર કલ્યાણ સંઘ નવસારીના દક્ષિણ ગુજરાતના નેજા હેઠળ આઉટ સોર્સિંગ તથા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા માટે નવસારી, જલાલપોર, ચીખલી, ગણદેવી, ચીખલી, ખેરગામ,
વાંસદાના તમામ સરકારી ઓફિસમાં ફરજ બજાવતા વર્ગ 3 અને 4ના કર્મીઓ લુન્સીકૂઈ મેદાન પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે એકત્ર થઈ વંદન કરી રેલીનો પ્રારંભ કરાયો હતો.
આ રેલીમાં દિપક બારોટ, ડી.કે.બાપુ, બિપીનભાઈ રાઠોડ, પિયુષ ઢીમ્મર, આરીફ ટીબલીયા, વિજય પટેલ અને 400થી વધુ કર્મીઓ રેલી સ્વરૂપે જુનાથાણા થઈ કાલીયાવાડી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
જ્યાં કલેકટરને ઉદ્દેશીને અધિક કલેકટરને આવેદનપત્ર આપી આઉટસોર્સિંગ બંધ કરાવવા, તમામ કર્મીઓને લઘુત્તમ વેતન મળે, સમાન કામ સમાન વેતન મળે, કામદારોને નિયમોનુસાર બુટ,
ચંપલ, ડ્રેસ, મેડિકલ સુવિધાઓ, વીમા યોજના,તમામ કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મીઓને કાયમી જગ્યા પર નિમણુંક આપવામાં આવે,
બંધારણ મુજબ કર્મીઓને અપાતા તમામ લાભ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
લડેગે જીતેગેનું સૂત્ર માનીતું બન્યું
નવસારીમાં તમામ તાલુકાઓના સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મીઓ રેલીમાં જોડાયા હતા.
જેમાં હાલ નવસારીમાં આદિવાસી સમાજની વિવિધ માંગ વખતે બોલાતું સૂત્ર..લડેગે જીતેગે…આ રેલીમાં સૌથી વધુ વાર બોલ્યા હતા.
લડેગે જીતેગે નું સૂત્ર તમામ કર્મીઓએ રેલી દરમિયાન સૂત્રોચ્ચાર કર્યા હતા.
મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાહાર કર્યા
નવસારીમાં ફરજ બજાવતા વર્ગ-3 અને 4 ના કર્મચારીઓ પોતાની માગને લઇને જિલ્લામાં ઉમટી પડ્યા હતા.
નવસારી શહેરમાં આવેલી અને રેલીના માર્ગે આવેલ પ્રતિમાઓ જેમાં ડો. બાબા સાહેબ આંબેડકર, લુન્સીકૂઇ ત્યાંથી જૂનાથાણા સર્કલ પાસે આવેલ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને સુરત તરફ જવાના જૂનાથાણા સર્કલ પાસે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને વર્ગ-3 અને 4 ના પ્રતિનિધિઓએ વંદન કરી પુષ્પહાર પણ અર્પણ કર્યા હતા.
સમાન કામ સમાન વેતનને લઇને રજૂઆત
નવસારીમાં વર્ગ 3 અને 4ના કર્મીઓને સમાન કામ સમાન વેતન મળે, આઉટ સોર્સિંગની પ્રથા બંધ થાય,
તમામને રેગ્યુલર નોકરીમાં લેવામાં આવે તે માટે અધિક કલેકટરને રજૂઆત કરી હતી.
જો દિન-3માં અમારી માંગો બાબતે કોઈ અધિકારીઓ વાતચીત કરવા નહીં આવે તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરીશું. > સંજય સોલંકી, મંત્રી, શ્રમિક કામદાર કલ્યાણ સંઘ,નવસારી