નવરાત્રીના આગલા દિવસે નવા બજાર ધમધમ્યું, આબાલવૃદ્ધે ચણિયાચોળી-ઝભ્ભાની ખરીદી કરી

આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે
તેવામાં શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ચણિયાચોળી માટે પ્રખ્યાત નવા બજાર એક સપ્તાહથી રાત્રે 11 વાગ્યા સુધી ધમધમે છે.
રેકડીવાળા મળીને 100 જેટલી દુકાનોમાં ચણિયાચોળી, ઝભ્ભા તેમજ જ્વેલરી વેચાઈ રહી છે.
નવરાત્રી પહેલાં રવિવારે સમગ્ર શહેરમાં વેપારીઓએ લાખો રૂપિયાનો વેપાર કર્યો હોવાનો અંદાજ છે.
ચણિયાચોળીનો વેપાર કરતા વેપારી ચેતન શાહે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે શહેરીજનોમાં ગરબા રમવા માટેનો ક્રેઝ ખૂબ વધારે છે.
જે પૈકી યુવતીઓમાં 10 મીટરથી 15 મીટર સુધીનો ગેર ધરાવતી ચણિયાચોળી ડિમાન્ડમાં છે.
જ્યારે યુવકોમાં અવનવી ડિઝાઈનવાળા ઝભ્ભા તેમજ પ્રિન્ટેડ ઝભ્ભાની પણ ડિમાન્ડ છે.
એક સમયે ચણિયાચોળી અને ઝભ્ભા લેવા માટે એકમાત્ર સ્થળ ગણાતા નવા બજારના વેપારીઓ સાથે શહેરમાં લાલબાગ, મકરપુરા, સુભાનપુરા, અટલાદરા સહિત તમામ વિસ્તારોમાં મિનિ માર્કેટ શરૂ થયા છે.