ગાંધીનગર GEBમાં દિવ્યાંગો માટે અનોખા ગરબાનું આયોજન, રાસ જોઈને તમે પણ બોલી ઉઠશો ‘વાહ…’
જીઈબી કોલોની, ગાંધીનગર ખાતે ચોથા નોરતે બાળુડાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મનોદિવ્યાંગ, શારીરિક દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સંસ્થાઓના માધ્યમથી આ વિશેષ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા,
તો જિલ્લામાં વસતા વિશિષ્ટ વ્યક્તિઓ તેમના પરિવારજનો સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.
તેમની સાથે બે કોલેજના વિદ્યાર્થીઓ અને નગરના સંવેદનશીલ નાગરિકોએ ગરબે ઘૂમવાનો આનંદ લીધો હતો.
વિશિષ્ટ વ્યક્તિઓને મનમૂકીને ગરબે ઘૂમતા જોઈને હૈયાને અનોખી ઠંડક પહોંચી હતી
અને આંખો આંસૂથી સભર બની ગઈ હતી. શું વિશિષ્ટ કે શું સામાન્ય – સહુ કોઈ અહીં માત્ર ને માત્ર આનંદ માણી રહ્યા હતા.
બાળુડાઓને આ રીતે પોતાના આંગણે ગરબા ગાતા જોઈને સ્વયં જગતજનની મા અંબા પણ આંગણામાં પધાર્યાં હોય
તેમ આ ગરબાસ્થાનમાં દિવ્યતા પથરાઈ ગઈ હતી.નગરની સમાજસેવી સંસ્થાઓ, નાગરિકો ઉપરાંત અનેક ગણમાન્ય મહાનુભાવોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમ પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી
અને બાળુડાઓ સાથે સમય પસાર કરીને તેમને આનંદ આપવાનો પ્રયાસ કર્યો હતો.
કાર્યક્રમ અંગે વાત કરતાં જી ઈ ક્લબના પ્રમુખ કુંતલ નિમાવતે જણાવ્યું હતું કે ઉલ્લેખનીય છે કે જી ઈ ક્લબ, ગ્રો ફાઉન્ડેશન અને સાધના દ્વારા બાળુડાના ગરબા કાર્યક્રમ વર્ષ 2004થી ગાંધીનગરમાં યોજવામાં આવે છે.
પ્રથમ વર્ષે માત્ર મનોદિવ્યાંગ વ્યક્તિઓને જ આ ગરબા કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા,
પરંતુ ત્યારબાદથી સઘળા દિવ્યાંગોને આ કાર્યક્રમમાં જોડવામાં આવે છે.
નગરની અનેક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ આ કાર્યક્રમ સાથે મળીને ઉપાડી લે છે
અને પ્રતિવર્ષ આવી સંસ્થાઓ, વ્યક્તિઓની સંખ્યા વધતી જ જાય છે.
તેમના પ્રતાપે જ વિશિષ્ટ બાળકોને તેમની સંસ્થાઓમાંથી ગરબા ગ્રાઉન્ડ સુધી લાવવાની, તેમને ગરબા રમાડવાની, ભોજન કરાવવાની, ભેટો આપવાની અને પરત મૂકી આવવા સુધીની કામગીરી બહુ જ સરળતાથી થઈ જાય છે.
ઉપરાંત, પ્રતિવર્ષ બે કોલેજના વિદ્યાર્થીઓ પણ પોતાની સામાજિક જવાબદારી સ્વીકારીને આ ગરબા કાર્યક્રમમાં સાજેદાર થાય છે
અને દિવ્યાંગો સાથે ગરબા રમીને તેમને આનંદ પ્રદાન કરે છે.