મળસ્કે દૂધ વિતરણનાં વાહન રોકી દેતાં પોલીસ દોડતી થઇ
માલધારી સમાજની હડતાળને પગલે શહેરમાં દૂધની અછત સર્જાતાં શ્રાદ્ધના દિવસોમાં લોકોને વહેલી સવારથી જ ભટકવું પડ્યું હતું.
બુધવારે વહેલી સવારથી જ બરોડા ડેરીએ રાબેતા મુજબ દૂધનું વિતરણ કરવાનું ચાલુ કરતાં માલધારીઓએ મળસ્કે 4 વાગે લાલબાગ બ્રિજ પર વાહનો રોકી દીધાં હતાં,
જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. આ ઘટના બાદ બરોડા ડેરીના મકરપુરા સ્થિત મુખ્ય પાર્લર પર પણ પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો હતો.
શહેરમાં 5થી વધુ વિસ્તારોમાં 20થી વધુ પાર્લર બંધ રહ્યાં હતાં. જોકે કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો.
દૂધની એક દિવસીય હડતાળમાં સૌથી વધારે અસર આજવા રોડ, વારસિયા રિંગ રોડ, ખોડિયારનગર, માંજલપુર સહિતના વિસ્તારો કે જ્યાં માલધારી સમાજનો વસવાટ છે
ત્યાં દૂધનાં પાર્લરો અને ચાની કિટલીઓ બંધ જોવા મળી હતી. આ વિસ્તારોમાં રહેતા લોકોએ અન્ય સ્થળે પહોંચીને દૂધ મેળવવું પડ્યું હતું.
જ્યારે હડતાળને પગલે લોકોએ બરોડા ડેરીના મુખ્ય પાર્લર પરથી એક દિવસ વધારે દૂધ ચાલે તેટલું દૂધ ખરીદ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, માલધારી સમાજે પોતાની માગને લઈને સરકાર સામે બાંયો ચઢાવી છે.
જે અંતર્ગત ગુજરાતમાં માલધારી સમાજે 21મીએ એક દિવસની હડતાળ રાખી હતી.
જ્યારે મંગળવારે રાતે શહેરમાં માલધારી સમાજની મળેલી બેઠકમાં જે દૂધ ડેરી કે લોકોના ઘરે આપવાનું નથી તે દૂધને હોસ્પિટલો, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોને આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જિલ્લામાંથી શહેરમાં આવતા દૂધ માટે પણ પોલીસ બંદોબસ્ત મુકાયો
બરોડા ડેરીમાં વડોદરા તાલુકા અને જિલ્લામાં મંડળીઓમાંથી આવતાં દૂધનાં વાહનો કેટલાંક સ્થળો પર અટકાવવામાં આવ્યાં હોવાની માહિતીને પગલે પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળો પર બંદોબસ્ત મૂકાયો હતો.
જ્યારે જિલ્લા અને તાલુકામાં રહેતા માલધારી સમાજે મંડળીમાં દૂધ ભર્યું ન હતું.
ડેરીમાંથી ડિસ્પેચ થયેલા 4.67 લાખ લિટર દૂધમાંથી 13000 લિટર પરત
બરોડા ડેરીમાંથી 21મીએ 163 ટેમ્પોમાં 4,67,700 લિટર દૂધ ડિસ્પેચ થયું હતું.
જેમાંથી 13,300 લિટર દૂધ વિતરણ થયા વગર પાછું આવ્યું હતું.જાન-માલનું નુકસાન નથી. > જી.બી. સોલંકી, વાઈસ પ્રેસિડન્ટ, બરોડા ડેરી
20 હજાર લિટર દૂધ ગરીબો અને મૂંગાં પ્રાણીઓને પીવડાવી દેવાયું
માલધારી સમાજની હડતાળ સફળ રહી છે. 10 હજાર પરિવારોએ 20 હજાર લીટર દૂધ ગરીબો તેમજ મૂંગાં પ્રાણીઓને પીવડાવ્યું હતું.
જ્યારે 5 હજાર લિટર રબડી ગરીબોને અપાશે. > નારણ દેસાઈ, પ્રમુખ, માલધારી સમાજ