ઇન્દ્રોડા ગામના યુવાનની હત્યા કરનાર પ્રેમીના નોકરનાં ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન, છ જીવતાં કારતૂસ મળી આવ્યા
ગાંધીનગરના ઇન્દ્રોડા ગામના યુવાનની હત્યા પ્રકરણમાં સેકટર – 7 પોલીસે પ્રેમી અને તેના નોકરની ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
જે અન્વયે પોલીસની ટીમે નોકરનાં ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરી છ જીવતાં કારતૂસ શોધી કાઢવામાં આવ્યા છે.
જ્યારે મૃતકની પત્ની અને તેની બહેનની પણ મેરેથોન પૂછતાંછ હાથ ધરવામાં આવી છે.
ઇન્દ્રોડા ગામના યુવાનની હત્યા પ્રકરણમાં પોલીસ તપાસનો ધમધમાટ
ગાંધીનગરના ઇન્દ્રોડા ગામના યુવાનની હત્યા પ્રકરણમાં પોલીસે પત્નીના પ્રેમી – નોકરની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.
ગત તા. 26 મીના રોજ ઇન્દ્રોડા ગામે રહેતા કિરણજી વિરાજી મકવાણા સાયકલ લઈને સચિવાલય ખાતે નોકરીએ જતો હતો. ત્યારે સેકટર – 10 ભારતીય સર્વેક્ષણ કચેરી પાસેના રોડ પર ગોળી મારીને કિરણનું ઢીમ ઢાળી દઈ બાઈક પર બે આરોપીઓ નાસી ગયા હતા
યુવાનની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ બહાર આવ્યું
આ હત્યા પ્રકરણમાં ગાંધીનગર પોલીસે ગોજારીયાનાં જીતેન્દ્ર કિરીટભાઇ પટેલ (રહે. ગોઝારીયા) અને તેના નોકર જૈમીન ભરતભાઇ રાવળની ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવવા આવ્યા છે.
ત્યારે સેકટર – 7 પીઆઈ પી બી ચૌહાણની તપાસમાં જીતેન્દ્ર અને મૃતકની પત્ની વચ્ચે પ્રેમ સંબંધો હોવાનું બહાર આવ્યું હતું.
મૃતક કિરણની પત્ની પ્રેમિલા અને જીતેન્દ્ર વચ્ચે પંદરેક વર્ષ અગાઉ પ્રેમના અંકુર ફૂટયા હતા. પણ કોઈ કારણસર બંનેના લગ્ન થઈ શક્યાં ન હતાં.
સમાજની છોકરી મળતી નહીં હોવાથી મરાઠી યુવતી સાથે લગ્ન કર્યા
ત્યારે પ્રેમીલાનાં લગ્ન ઇન્દ્રોડા કિરણ મકવાણા સાથે થઈ ગયા હતા.
જ્યારે જીતેન્દ્રને સમાજની છોકરી મળતી નહીં હોવાથી મરાઠી યુવતી સાથે લગ્ન કરવા પડ્યા હતા.
જેનાં થકી જીતેન્દ્ર એક સંતાનનો પિતા પણ છે. તો પ્રેમીલાને 15 અને 12 વર્ષના બે દિકરા છે.
જો કે જીતેન્દ્ર વર્ષોનો પ્રેમ ભૂલી શક્યો ન હતો. આથી તેણે ત્રણ વર્ષ અગાઉ પિયરમાંથી પ્રેમીલાનો નંબર મેળવી લીધો હતો.
આમ બંને ફરી પાછા સંપર્કમાં આવતાં સુષુપ્ત પ્રેમ જાગ્રત થઈ ગયો હતો.
પ્રેમી જીતેન્દ્રનાં લગ્ન થતાં ન હતા
બાદમાં પ્રેમીલાએ જીતેન્દ્રની ઓળખાણ ધર્મના ભાઈ તરીકે આપતા પતિ સહિત સાસરિયાને પ્રેમ સંબંધોની ગંધ આવી ન હતી.
આ અંગે પીઆઈ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રેમી જીતેન્દ્રનાં લગ્ન થતાં ન હતા.
જેથી તેના પિતાના કોઈ ઓળખીતા થકી મરાઠી યુવતી સાથે જીતેન્દ્રનાં લગ્ન થયા હતા.
પણ તેને તેની પત્ની ગમતી ન હતી. આથી ત્રણ વર્ષ અગાઉ પ્રેમીલા સાથે ફરી સંપર્કમાં આવ્યો હતો.
જીતેન્દ્ર પત્નીને છોડીને પ્રેમીલા સાથે સંસાર માંડવા માંગતો હતો
જીતેન્દ્ર તેની પત્નીને છોડીને પ્રેમીલા સાથે સંસાર માંડવો હતો.
પરંતુ પ્રેમીલાને બે સંતાનોના કારણે તે મંજૂર ન હતું. જો કે તેણે જીતેન્દ્ર સાથે પ્રેમ સંબંધો ચાલુ રાખ્યા હતા.
ત્યારે જીતેન્દ્ર કોઈપણ ભોગે પ્રેમીલાને મેળવવા માંગતો હતો.
જેનાં પગલે રાજસ્થાનથી 40 હજારમાં પિસ્તોલ લઈ આવ્યો હતો.
અને નોકર જૈમિન રાવળની મદદથી કિરણની હત્યા કરી દીધી હતી.
નોકર જૈમિનનાં ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરી છ કારતૂસ જપ્ત કરાઈ: પીઆઈ ચૌહાણ
વધુમાં પીઆઈ ચૌહાણે ઉમેર્યું હતું કે, પ્રેમિકાની બહેન ભાવનાનાં લગ્ન પણ કિરણના ભાઈ જોડે થયા છે.
જેથી તે પણ બંનેના પ્રેમ પ્રકરણથી વાકેફ હતી. આથી બંને બહેનોની પણ પૂછતાંછ કરવામાં આવી છે.
જો કે હાલના સંજોગોમાં પ્રેમીલા જીતેન્દ્રનાં કાવતરાથી અજાણ હોવાનું કહી રહી છે.
જેથી બંનેના કોલ ડિટેઇલ્સ કઢાવવામાં આવ્યા છે.
જે બાદ પ્રેમિલાની ભૂમિકા નક્કી થશે.
બીજી તરફ આ મામલે બંને આરોપીઓ પૈકી નોકર જૈમિનનાં ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરી છ કારતૂસ જપ્ત કરવામાં આવી છે.
જ્યારે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન બે દિવસ પહેલા જ કરી દેવાયું છે.