સરગાસણનાં કેપીટલ આઈકોન કોમ્પલેક્ષમાં આવેલી શિવ-ઈન હોટલનો લબરમુછીયો મેનેજર દારૂની 142 બોટલો સાથે ઝડપાયો
ગાંધીનગરનાં સરગાસણનાં કેપીટલ આઈકોન કોમ્પલેક્ષમાં આવેલ શિવ ઈન હોટલમાં લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને 19 વર્ષના લબરમુછીયા મેનેજર હર્ષિલ વાળંદને 142 નંગ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડી 31 હજાર જેટલો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
કેપીટલ આઈકોન કોમ્પલેક્ષમાં આવેલ શિવ ઈન હોટલનો મેનેજર દારૂનો વેપલો કરતો
ગાંધીનગરમાં કોમ્બીંગ નાઇટ દરમ્યાન એલસીબી પીઆઈ જે એચ સિંધવ અને એચ પી પરમારનાં સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમો સઘન પેટ્રોલીંગ કરી રહી હતી.
એ દરમ્યાન બાતમી મળી હતી કે સરગાસણ નાં કેપીટલ આઈકોન કોમ્પલેક્ષમાં આવેલ શિવ ઈન હોટલનો મેનેજર દારૂનો વેપલો પણ ચલાવી રહ્યો છે.
જેનાં પગલે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉક્ત હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
અલગ અલગ બ્રાન્ડની 142 નંગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો
જ્યાં હોટલનાં રિસેપ્શન કાઉન્ટર પર 19 વર્ષનો મેનેજર હર્ષિલ મૂકેશભાઈ વાળંદ મળી આવ્યો હતો.
જેને સાથે રાખીને એલસીબીની ટીમ સીડીઓ વાટે ધાબા પર પહોંચી હતી.
ત્યાં એક ખૂણામાં દારૂ ભરેલી પાંચ પેટીઓ મળી આવી હતી.
જેની ગણતરી કરતાં અલગ અલગ બ્રાન્ડની 142 નંગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું.
એલસીબીએ લાલ આંખ કરીને પૂછતાંછ કરતાં લબરમુછીયો મેનેજર ફફડી ઉઠયો
હજી માંડ માંડ મૂછનો દોરો ફૂટયો હોય એવા હોટલનાં 19 વર્ષના મેનેજર હર્ષિલની એલસીબીએ લાલ આંખ કરીને પૂછતાંછ કરતાં જ તે ફફડી ઉઠયો હતો.
અને ઉક્ત દારૂનો જથ્થો સેકટર – 25 નો સિદ્ધરાજ જાદવ આપી ગયો હોવાની પોપટની માફક કબૂલાત કરી હતી.
આ અંગે એલસીબી સૂત્રોએ જણાવ્યું હતું કે લબરમુછીયો હર્ષિલ હોટલની આડમાં દારૂનો વેપલો કરતો હતો.
જેની ધરપકડ કરી ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.