બાલાસિનોર બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો
બાલાસિનોર એસ.ટી ડેપો ખાતે સોમવારના સાંજના સમયે વિદ્યાર્થીઓ ભારે સંખ્યામાં એકત્ર થઈ એસ.ટી ડેપોના પ્રવેશદ્વાર પર ચક્કાજામ કરી દેતા બજારમાં ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઇ હતી.
રેગ્યુલર બસ કરી ન આપવાને કારણે વિદ્યાર્થીઓએ ભેગા થઇને ચક્કા ધામ કરતા ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક ધોરણે બસો ચાલુ કરવામાં આવી હતી.
બાલાસિનોર તાલુકાના સાકરીયા, રાજપુર, કોતરબોર અને ગઢના મુવાળા ખાતેથી બાલાસિનોર હાઈસ્કૂલ અને કોલેજમાં અભ્યાસ હેતુ અપડાઉન કરતા 100 થી વધુ વિદ્યાર્થીઓ નિયમિત આવતી એસ.ટી બસ બંધ કરી દેતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
જે માટે વિદ્યાર્થીઓએ ગ્રામપંચાયતના લેટરપેડ પર નિયમિત એસ.ટી બસ ચાલુ કરવા માંગ કરી હતી.
આ બાબતે ડેપો મેનેજર દ્વારા સોમવારથી રેગ્યુલર થઈ જવાની હૈયાધારણા પણ આપવામાં આવી હતી.
જે સોમવારના સમયે બસ શાળા – કોલેજ સમયે ન આવતા વિદ્યાર્થીઓનો પારો ઊંચકાયો હતો.
શાળા સમય પૂર્ણ થયા બાદ બાલાસિનોર એસ.ટી ડેપોના પ્રવેશદ્વાર પર ચક્કાજામ કર્યો હતો.