શામળાજી કોલેજ નજીક છાત્રેશ્વરીના યુવાન પર ચપ્પાથી હુમલો કરતા ગંભીર
શામળાજી આર્ટસ કોલેજ પાસે ઉભા રહેલા મોડાસાના છાત્રેશ્વરીના યુવાનને અજાણ્યા શખ્સોએ ચપ્પા વડે હુમલો કરતાં યુવાનને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા.
હુમલાનો ભોગ બનનાર યુવકના કાકાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
દાવલી છાત્રેશ્વરીનો દિલીપભાઈ રામાભાઈ ખરાડી શામળાજી કોલેજ પાસે બપોરે 12 કલાકે ઉભો હતો.
તે દરમિયાન અચાનક આવેલા અજાણ્યા શખ્સ યુવક કંઈક સમજે તે પહેલા ચપ્પા વડે યુવાનને માથાના અને પેટના ભાગે ઘા કરતાં યુવકને સારવાર માટે શામળાજીની સિવિલમાં ખસેડાયો હતો.
મોકાનો ફાયદો ઉઠાવી અજાણ્યો શખ્સ ભાગી છૂટ્યો હતો.
યુવાનને પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ગંભીર હાલતમાં હિંમતનગર ખસેડાયો હતો.
આ અંગે વિજયભાઈ સુરજીભાઈ ખરાડી રહે. દાવલી છાત્રેશ્વરી તા.મોડાસાએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.