દહેગામની તાલુકા સેવા સદન કચેરી બહાર સરકાર વિરુદ્ધ પોસ્ટર લાગ્યાં

જૂની પેન્શન યોજના અને ફિક્સ પે મુદ્દે લડત ચલાવતાં સંગઠનો દ્વારા દહેગામની મામલતદાર કચેરીએ સરકાર વિરૂદ્ધ પોસ્ટર ચોંટાડ્યાં હતાં.
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નામે લાગેલાં પોસ્ટર દહેગામ મામલતદારે જાતે ઉખાડ્યાં હતાં.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે
તેવા સમયે રાજ્ય સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના અને ફિક્સ પેને લઈ સરકાર સામે મોરચો માંડ્યો છે.
ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓને સરકાર દ્વારા જેલમાં મોકલી આપતા
હવે કર્મચારીઓએ સરકાર સામે પોસ્ટર વોર શરૂ કરી છે.
તેવામાં દહેગામ ખાતે આવેલી તાલુકા સેવા સદન મામલતદાર કચેરી બહાર રાતોરાત પોસ્ટર લાગી ગયાં હતાં.
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ટીમ ઓપીએસ એનએમઓપીએસ ગુજરાત દ્વારા વિવિધ માંગણીને લઈ પોસ્ટર ચોંટાડ્યાં હતાં.
પોસ્ટરમાં વિવિધ સ્લોગન દ્વારા ‘એક પોસ્ટલ ડાલેંગે દસ વોટ ડલવાયેંગે, ક્લાર્ક તલાટી પોલીસ શિક્ષક સબકો યહી બતાયેંગે, આઈએએસ ઓર આઈપીએસ સબ એક સાથ દોહરાયેંગે, ફિક્સ પે હટાયેંગે પુરાની પેન્શન લાયેંગે’ ઉપરાંત ‘હવે અધિકાર નહીં તો વોટ નહીં, મારો મારા પરિવારનો તથા મારા સમાજનો વોટ જૂની પેન્શન યોજનાને’ સહિતના સ્લોગનનાં પોસ્ટર લાગ્યાં હોવાની જાણ દહેગામ મામલતદાર ડૉ. દીપલ ભારાઈને થતાં તેમણે પોસ્ટર દૂર કર્યાં હતાં.