પોલીસથી બચવા હોટલમાં રહેતા અને બાઇક બદલે કાર લઇને અછોડા તોડતાં 2 ઝડપાયા

શહેરમાં પોલીસથી બચાવ બાઈકને બદલે કારમાં ફરી અછોડા તોડતી ગેંગને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા.
બંનેએ એક સપ્તાહમાં શહેરમાં બે અછોડા તોડ્યાની કબુલાત કરી હતી.
ડીસીબી પોલીસના જણાવ્યા મુજબ નવરાત્રી શરૂ થતા પહેલા વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં તેમજ ત્યારબાદ સમા રોડ ઉપર એક જ પદ્ધતિના બે બનાવ બન્યા હતા.
જેમાં સફેદ રંગની એક કારનો ઉપયોગ કરવામાં આવ્યો હોઇ પોલીસ દ્વારા કારની શોધખોળ કરવામાં આવી હતી.
આ માટે પોલીસે સીસીટીવી તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કર્યો હતો.
ક્રાઈમ બ્રાંચની ટીમે બુધવારે બહુચરાજી રોડ વિસ્તારમાંથી શંકાસ્પદ કારને ચેક કરતા કારમાં બેઠેલા બંને શખ્સો દ્વારા ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ તેઓ પકડાઈ ગયા હતા. પોલીસની તપાસમાં આ બંને શકમંદો અછોડા તોડ હોવાનું બહાર આવ્યું હતું.
અને બંને જણાંએ વાઘોડિયા રોડ અને સમા વિસ્તારમાં અછોડા તોડ્યા હોવાની વિગતો બહાર આવી હતી.
આ પૈકી એકનું નામ ઋતુલ અમૃતલાલ પંચાલ (આત્મીય હાઇટ્સ, માણેજા) અને બીજાનું દુર્ગેશ ઉર્ફે રેયાન રાજમલ યાદવ (વૃંદાવન એસ્ટેટ, પસાભાઈ પાર્ક પાસે, રેસકોર્સ, વડોદરા, મૂળ રાજસ્થાન) હોવાનું ખુલ્યું હતું.
બંને અછોડા તોડ પૈકી ઋતુલ સામે અગાઉ અછોડા તોડવાના તેમજ દુર્ગેશ સામે વાહન ચોરીના ગુનાઓ નોંધાયા હોવાની વિગતો પણ સપાટી પર આવી છે.
ફેબ્રિકેશનના કામમાં યોગ્ય વળતર નહી મળતાં પૈસા કમાવવા બંનેએ શોર્ટકટ અપનાવ્યો
પોલીસના હાથે પકડાયેલા રૂતુલ પંચાલે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કેર ‘ ફેબ્રીકેશનના કામમાં વળતર યોગ્ય મળતું ન હતું
એટલે સુરતથી યાદવને બોલાવ્યો હતો અને પૈસા કમાવવા માટે શોર્ટકટ અપનાવ્યો હતો.
બંને જણાં મોજશોખમાં રૂપિયા ઉડાડી દેતાં હોવાનું પોલીસને જણાવ્યું હતું.
કારેલીબાગની હોટલમાં બંને જણાં રોકાતા હતા
બંને જણાં કારેલીબાગની એક હોટલમાં રોકાયા હતા.
આ બંને જણાં અછોડા તોડવા જતી વેળા કારની નંબર પ્લેટ કાઢી નાંખતાં હતા.
અછોડો તોડયા બાદ કારમાં ફરી પાછી નંબર પ્લેટ લગાવી દેતાં હતા. કારમાં કાચમાં પડદા પણ લગાવ્યા હતા.
સમા વિસ્તારમાં તોડેલી ચેઇન રૂા.35,000માં વેચી હતી
સમા વિસ્તારમાં બે દિવસ પહેલા એક મહિલાની તોડેલી ચેઈન (10 ગ્રામ) એક સોનીને રૂા.38,000માં વેચી હતી એવું તપાસમાં આવ્યું છે.
સમામાં અછોડો તોડયા બાદ બંને નિઝામપુરાની એક સ્કૂલને પણ નિશાન બનાવવાની ફિરાકમાં હતા ત્યારે ડીસીબીએ બંનેને ઝડપ્યા હતા.