વડાપ્રધાન ગાંધીનગરમાં વંદે ભારત ટ્રેનમાં બેસી કાલુપુર પહોંચ્યા, હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે.
તેમણે ટ્રેનની મુસાફરી પણ કરી છે.
હવે અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવવાના છે.
વડાપ્રધાન થોડીવારમાં ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવી પહોંચ્યાં છે,
ત્યાંથી કાલુપુર મેટ્રો સ્ટેશન ખાતે જશે અને ત્યાંથી મેટ્રો રેલમાં બેસી દુરદર્શન થલતેજ ખાતે જાહેર સભાના સ્થળે પહોંચશે.
જાહેર સભાના સ્થળે સવારથી જ મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા છે.
આ કોરિડોર પર મેટ્રો દોડતી થઈ જશે
પૂર્વ- પશ્ચિમ કોરિડોર પરના કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર,જૂની હાઈકોર્ટ (વિનિમય), એસપી સ્ટેડિયમ, કોમર્સ સિક્સ રોડ, ગુજરાત યુનિ., ગુરુકુલ રોડ, દુરદર્શન કેન્દ્ર તેમજ થલતેજ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
જ્યારે ઉત્તર- દક્ષિણ કોરિડોર પર મોટેરા, સાબરમતી, AEC, રાણીપ, વાડજ, વિજયનગર, ઉસ્માનપુરા, જૂની હાઈકોર્ટ, ગાંધીગ્રામ, પાલડી, શ્રોયસ, રાજીવનગર, જીવરાજ અને APMC મેટ્રો સ્ટેશનોનું ઉદ્ધાટન કરવામાં આવશે.
22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે
મેટ્રો ટ્રેન હાલના તબક્કે દરેક ટ્રેન 3 કોચ વાળી છે.
ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને સ્ટેશનો 6 કોચવાળી ટ્રેનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.
તમામ ટ્રેન સ્ટેનલેસ સ્ટીલથી બનેલી છે.
ટ્રેનના રોલિંગ સ્ટોકની વાત કરીએ તો, 32 ટ્રેન સેટ્સ, 96 ટ્રેન કોચ, લંબાઈમાં 22.6 મી., પહોળાઈ 2.90 મીટર જ્યારે ઊંચાઈ 3.98 મીટર છે.
બન્ને કોરિડોરમાં ટિકિટોનો દર અલગ અલગ સ્ટેશન માટે 5 રૂપિયાથી 25 રૂપિયાની વચ્ચે રહેશે.
જેમાં પ્રથમ ૨.૫ કિમી માટે ૫ રૂપિયા, 2.5 કિમીથી 7.5 કિમી સુધી રૂ.10 , 7.5 કિમીથી 12.5 કિમીના રૂ. 15, 12.5 કિમીથી 17.5 કિમીના રૂ. 20, 17.5 કિમીથી 22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.
પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે.
આ ટ્રેન રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવવામાં આવશે.આજે ટ્રેનનો આરંભ થઈ રહ્યો છે.