દારૂબંધી હોવા છતાં ચૂંટણી વખતે ગુજરાતમાં દારૂ વહેંચાય છે: CEC
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીની સમીક્ષા માટે ગુજરાત આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે
છતાં દારૂ વહેંચાય છે. ચૂંટણી દરમિયાન દારૂ ગુજરાતમાં ન આવે તેની ખાસ તકેદારી રાખવા પોલીસ તંત્રને સૂચના અપાઇ છે.
તે જ રીતે ગુજરાતમાં ડ્રગ્સ પણ કોઇ પણ પ્રકારે ન આવવું જોઇએ.
જો ચૂંટણી દરમિયાન ડ્રગ્સ પકડાશે તો અધિકારીઓની પણ જવાબદારી નક્કી થશે.
ગુજરાતમાં ચૂંટણી દરમિયાન દારૂ ન ઘૂસે તે માટે પડોશી રાજ્યોના અધિકારીઓને પણ આ મામલે સૂચના આપવામાં આવશે.
AAP વિરુદ્ધની અરજી પર પ્રક્રિયા શરૂ કરાઈ
કેજરીવાલે સરકારી કર્મચારીઓને આપ માટે અંદરખાને કામ કરવાની વાત કહી હતી.
તેની સામે દેશના 57 નિવૃત્ત સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો.
રાજીવ કુમારે કહ્યું કે આ પત્ર સંજ્ઞાનમાં લઈ ગુજરાતના ચૂંટણી અધિકારીને રિપોર્ટ કરવા જણાવાયું છે.
ગુજરાતના 50 ટકા બૂથ સંવેદનશીલ
ગુજરાતમાં 50 ટકા જેટલા મતદાન મથકો સંવેદનશીલ હોવાનું મુખ્ય ચૂંટણી કમિશનરે રાજ્યના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું.
આ મથકો પર ગેરરીતિ ડામવા માટે ત્યાં સમગ્ર મતદાન પ્રક્રિયાનું નિરંતર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.
100 વર્ષથી વધુ વયના 11,842 મતદારો
ગુજરાતમાં ડ્રાફ્ટ મતદાર યાદી પ્રમાણે કુલ 4.83 કરોડ મતદારો છે.
જેમાં 100 વર્ષથી વધુ વયના 11,842 મતદારો છે.
80 વર્ષથી વધુની વયના 10.36 લાખ મતદારો જ્યારે 4.13 લાખ દિવ્યાંગ મતદારો છે.
1251 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે.