ફાઇન આર્ટ્સના ગરબામાં વિવાદનો પ્રયાસ, માતાજીનો ફોટો મૂકી આરતી કરવા પત્ર લખ્યો
મ.સ.યુનિ.ની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની શરૂઆતથી યોજાતાં ઐતિહાસિક ગરબામાં વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કરાયો છે.
સંકલન સમિતિના સિન્ડિકેટ-સેનેટ સભ્યોએ સત્તાધીશોને પત્ર લખીને માતાજીની આરતી અને ફોટો મૂકીને આરાધના થવી જોઇએ તેવી માગ કરી છે.
જોકે રજૂઆત કરનાર સભ્યો ફાઇન આર્ટ્સમાં માતાજીનો ફોટો મૂકાતો હોય છે અને આરતી થતી હોવાની વાતથી અજાણ છે કે જાણી જોઇને વિવાદ ઊભો કર્યો છે તેવી ચર્ચા સર્જાઈ છે.
કેટલાય સમયથી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીને સોફ્ટ ટાર્ગટ બનાવીને ખોટી રીતે ચીતરવામાં આવી રહી છે.
જેના કારણે શહેરજનોમાં પણ રોષની લાગણી જોવ મળી રહી છે.
સંકલન સમિતિના સેનેટ- સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલા, ઇશાન પુરોહિત, ડો.સુનીલ કહાર, જીગ્નેશ સોની દ્વારા વીસી, રજિસ્ટ્રાર તથા ફેકલ્ટી ડીનને લેખિતમાં રજૂઆતો કરી છે.
તેમણે જણાવ્યું કે, ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ગરબાનું આયોજન સનાતન હિન્દુ ધર્મની પરંપરા મુજબ થવું જોઈએ.
તેમાં રોજ મા આરાધ્ય દેવીની આરતી થવી જોઈએ. જેમાં માતાજીની પ્રતિમા કે છબી મૂકીને જ માની આરાધના કરવી જોઈએ.
આરાધ્ય દેવીની આરાધના દરમિયાન વિધર્મી કે અસામાજિક તત્ત્વો દ્વારા સંસ્કૃતિને હાનિ થાય તેવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવે.