કેન્સરથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી, બેફામ કારચાલકે બાઈક પર સવાર 2 શખ્સને ઉડાડ્યા

દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 4 ક્રાઈમની ઘટના બનવા પામી હતી. જેમાં કોઈએ કેન્સરથી કંટાળીને જાતે પોતાનો જીવ લીધો, તો કોઈની ભુલે કોઈને દવાખાના ભેગા કર્યાં,
બીજી બાજુ નશાની હાલતમાં બાઈક સવાર સામે પોલીસે ભર્યા આકરા પગલાં,
તો કોઈ રોજ મોડી રાત્રે લોકોના તાળા તપાસતો શંકાસ્પદ શખ્સ પોલીસે ઝડ્પી પાડ્યો. આ સમગ્ર ઘટના વિગતવાર વાંચો આ અહેવાલમાં.
ગળાના કેન્સરથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી
કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે રહેતા કડવીબેન ખીમાભાઈ કંડોરીયા નામના આહીર મહિલા છેલ્લા 9 વર્ષથી ગળાના કેન્સરની બીમારીથી પીડાતા હતા.
આ બીમારીથી કંટાળીને થોડા સમય પૂર્વે તેમણે જાતે ઘાસમાં છાટવાની ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની જાણ રામશીભાઈ ખીમાભાઈ કંડોરીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ફોર વ્હીલરે મોટરસાયકલને ઉડાડી
ખંભાળિયા-દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે 3 કિલોમીટર દૂર આહિર કન્યા છાત્રાલય નજીકના હાઈવે માર્ગ પર ફોર વ્હીલરના વાહનચાલકે માર્ગ પર જઈ રહેલા અરજણભાઈ વરવાભાઈ ડાંગર તથા તેમના ધર્મપત્ની વેજીબેન કે જે મોટરસાયકલ પર સવાર હતાં
તેમને પાછળથી ઠોકર મારતાં તેઓ ફંગોળાઈ ગયા હતાં. આ અકસ્માતમાં અરજણભાઈને ફ્રેક્ચર સહિતની ઈજાઓ તથા વેજીબેનને પણ મૂંઢ ઈજાઓ થયાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે નારણભાઈ અરજણભાઈ ડાંગર (ઉ.વ. 23, રહે. બજરંગ રેસીડેન્સી)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા કારચાલક સામે આઈ.પી.સી. કલમ 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
પીધેલી હાલતમાં વાહન ચલાવનારને ઝડપ્યા
મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાંથી પોલીસે હમુસર ગામના કરણ માણસીભાઈ હાથીયા નામના 30 વર્ષના યુવાનને કેફી પીણું પીધેલી હાલતમાં રૂ.10,000ની કિંમતના મોટરસાયકલ પર નીકળતાં ઝડપી લીધો હતો.
અન્ય એક બનાવમાં પોરબંદર તાલુકાના નાગકા ગામનાં વાડી વિસ્તારમાં રહેતાં સવદાસ મેરામણ ઓડેદરા નામના 55 વર્ષના આધેડ શખ્સને ભાણવડ પોલીસે રોઝડા ગામના પાટીયા પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂ. 10,000ની કિંમતના મોટરસાયકલ પર નીકળતાં ઝડપી પાડ્યો હતો.
રાત્રે રહેણાંકના તાળા તપાસતો શખ્સ ઝડપાયો
ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાંથી પોલીસે ધરમ ઉર્ફે ધમા ભીખુ રાઠોડ નામના 18 વર્ષના શખ્સને મોડી રાત્રીના સમયે શંકાસ્પદ હાલતમાં રહેણાંક મકાનના તાળા તપાસતાં ઝડપી લીધો હતો.
આ ઉપરાંત આ જ વિસ્તારમાંથી પોલીસે પોરબંદર તાલુકાના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા હસમુખ લખમણ સોઢા નામના 32 વર્ષના શખ્સને ઝડપી લઇ,
આ બંને શખ્સો સામે જી.પી. એક્ટની કલમ 122 (સી) મુજબ કાર્યવાહી કરી હતી.