પાવાગઢમાં પહેલા નોરતે બપોર સુધીમાં 2 લાખ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા, રોપ-વેની ટીકીટ માટે 200 મીટર જેટલી લાંબી લાઈન લાગી
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલ હિન્દૂ ધર્મના શક્તિપીઠો પૈકીનું એક શક્તિપીઠ કે જ્યાં સાક્ષાત મહાકાળીમાં બિરાજમાન છે.
જેના ચરણોમાં માથું નમાવી આશીર્વાદ લેવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે.
આજે આશો નવરાત્રીના પહેલા દિવસે બપોર સુધી બે લાખ જેટલા માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા.
ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વહેલી સવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી
આશો નવરાત્રીના પહેલા નોરતે આજે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી ધામ ખાતે માઇભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.
વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા 4 લાખ યાત્રાળુઓ આવવાની સંભાવનાઓ દર્શાવી હતી.
જેની સામે આજે બપોરે સુધી જ 2 લાખ જેટલા યાત્રાળુઓએ માતાજીના દર્શન કાર્યા હતા.
પહેલા નોરતે જ માતાજીના દર્શન કરવા વહેલી સવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. તો રોપ-વેની ટીકીટ માટે 200 મીટર જેટલી લાંબી કતાર લાગી ગઈ હતી.
રોપ-વેના બંને માર્ગો ઉપર ભક્તોની ભીડ
નવરાત્રીની શરૂઆતથી જ મહાકાળી મંદિર ટ્રસ્ટ અને રોપ-વે વ્યવસ્થા સંભાળાતી કંપની દ્વારા સમય લંબાવવામાં આવ્યો છે.
વહેલી સવારે 4 વાગ્યે દર્શન અને રોપ-વે શરૂ કરી દેવામાં આવી હોવા છતાં બપોર સુધી લાંબી લાઈનો જોવા મળી હતી.
તળેટીમાંથી માત્ર એસટી બસ દ્વારા જ માચી સુધી જવા આવવાની વ્યવસ્થા હોવાથી એસટી વિભાગ દ્વારા 50 જેટલી બસ આખો દિવસ તળેટીમાંથી માચી સુધી દોડાવવામાં આવી રહી છે.
જેથી અહીં આવતા યાત્રાળુઓને માચી સુધી પહોંચવા મુશ્કેલીઓ ન પડે માચી થઈ ચાલતા અને રોપ-વેના બંને માર્ગો ઉપર ભક્તોની ભીડ જોવા મળી હતી.