25 ઓકટોબરના દિવસે સૂર્યગ્રહણનો આશિંક નજારો પંચમહાલ વાસીઓ નિહાળી શકાશે
ગત વર્ષની સમાપ્તિ અને નુતનવર્ષના આગમનની તૈયારીઓ થઇ રહી છે,
ત્યારે એક અદભૂત અવકાશીય ઘટના આંશિક સૂર્યગ્રહણનો નજારો મળનાર છે.
તારીખ 25 ઓક્ટોબર 2022 મંગળવારના રોજ ગોધરા ખાતે ગ્રહણ સાંજના ચાર વાગ્યેને ચાલીસ મિનીટથી શરુ થઇ છ વાગ્યાને બે મિનીટ સુધી જોવા મળશે.
આમ, એક કલાક અને ત્રીસ મિનીટ સુધી સૂર્યગ્રહણની અદભુત પ્રાકૃતિક ઘટના નિહાળી શકાશે.
દરેક નાગરિક નિહાળી શકે તે માટે લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાની ટીમ દ્વારા લારા હોસ્પિટલ, લોખંડવાલા કોમ્પલેક્ષની પાછળ, એલ.આઈ.સી. રોડ, ગોધરા ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ ઘટનાને નિહાળવા માટે નગરજનોને જાહેર નિમંત્રણ પાઠવામાં આવે છે.
લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા અને ગુજકોસ્ટ તરફથી સૂર્યગ્રહણને નિહાળવા માટે ખાસ કીટ તૈયાર કરવામાં આવી છે.
જેમાં પીનહોલ કેમેરા, સૂર્યગ્રહણ જોવા માટેના ચશ્માં, લેન્સની મદદથી સૂર્યગ્રહણનો પડછાયો વગેરે દ્વારા ગ્રહણ નિહાળી શકાશે.
આ ઉપરાંત લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અલગ-અલગ પદ્ધતિ દ્વારા સૂર્યગ્રહણ જોવાની તાલીમ આપવામાં આવશે.
આ ગ્રહણ ગોધરા, પંચમહાલ અને ગુજરાતમાં આંશિક રીતે જોવા મળશે.
જેમાં સુરક્ષિત રીતે સૂર્યગ્રહણ કેવી રીતે જોવું, કેવી રીતે થાય છે,
તે અંગે પણ માહિતી લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા આપવામાં આવનાર છે.
લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગ્રહણ સીધેસીધું નરી આંખે જોવું નહી.
તથા માન્યતાઓથી ડરવું નહી અને લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા થનાર કાર્યક્રમનો વિના મુલ્યે લાભ લેવા સૌ નગરજનોને જાણ કરવામાં આવે છે.
સૂર્ય ગ્રહણ સાથે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે.
માન્યતાઓને લઇને જો કોઈ પ્રશ્ન હશે તો લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૈજ્ઞાનિક રીતે સમજ પૂરી પાડવામાં આવનાર છે.