લમ્પી વાયરસના કહેરથી પશુપાલકો ચિંતિત

મહુવા શહેર અને તાલુકામાં લમ્પી વાયરસથી કુલ 29 ગાયોના મોત થતા ગૌપ્રેમીઓ અને પાંજરાપોળ સંચાલકો ચિંતાગ્રસ્ત થયા છે.
મહુવા શહેર તાલુકામાં પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસ રોગે દેખા દીધા છે.
પશુઓમાં લમ્પી સ્કિન ડીસીસની અસર પહોંચે તે પહેલા વહીવટી તંત્ર દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ જોકે બીમાર પશુઓની સઘન સારવાર અને વેક્સીન અપાઇ રહી છે.
જોકે વેકસીન અપાયેલ ગાયોને પણ આવા લમ્પી વાયરસ રોગે ગાયોના જીવ લીધાનું બહાર આવતા પશુપાલકો વધુ ચિંતીત થયા છે.
મહુવા શહેર અને તાલુકામાં 80 હજારનું પશુઘન છે જે પૈકી લમ્પી વાયરસ થાય તેવું ગાય વર્ગનું 27 હજારનું પશુઘન છે.
મહુવા શહેર અને તાલુકામાં પશુઓમાં લમ્પી સ્કિન ડીસીસની અસર શરૂ થઇ છે.
આજ સુધીમાં મહુવા શહેરમાં બે અને તાલુકામાં 27 ગાયો મળી કુલ 29 ગાયોના મોત થવા પામ્યા છે.
સાવચેતીના પગલા રૂપે રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા અન્ય પશુઓમાં આ રોગ ન ફેલાય તે માટે સર્વે કરીને પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહી છે.
પશુઓમાં આ વાયરસજન્ય રોગ ઝડપથી ન ફેલાય તે માટે ટીમ કાર્યરત છે.
પશુઓમાં ફેલાતો લમ્પી વાયરસ શું છે?
પશુઓમાં જ્યારે આ રોગ થવાની શરુઆત હોય ત્યારે તેમને તાવ આવે છે.
આ વાઈરસજન્ય રોગ માખી, ઈતરડી તેમજ મચ્છર દ્વારા એક પશુમાંથી બીજા પશુઓમાં ફેલાય છે.
જેમાં પશુઓની ચામડી પર બેથી પાંચ સેન્ટીમીટરની ગાંઠ જોવા મળે છે.
પશુના દૂધ ઉત્પાદનમાં પણ એકાએક ઘટાડો જોવા મળે છે અને પશુઓમાં વાંઝિયાપણું પણ જોવા મળે છે.
પશુઓમાં ઉપરોક્ત કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ પશુ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર – 1962 પર ફોન કરવાથી 4 એમ્બ્યુલન્સની ટીમ હાલ સેવામાં કાર્યરત છે.
અથવા મહુવાના પશુ દવાખાના ડો.કનુભાઇ બલદાણીયા નો સંપર્ક કરવા જણાવાયુ છે.