1.30 લાખ લિટરને બદલે ડેરીમાં 2 હજાર લિટર દૂધની જ આવક
ભાવનગર શહેર અને જિલ્લામાં માલધારી સમાજની દૂધ-હડતાળને પગલે ગઇ કાલ મંગળવારે મોડી સાંજથી શરુ થયેલી દૂધની અછત આજે બુધવારે સવારે તો રીતસર દૂધના કકળાટમાં તબદિલ થઈ ગઈ છે.
ભાવનગરમાં ઠેર-ઠેર ‘દૂધ નથી’નાં પાટિયાં લાગી ગયાં હતા અને કેટલાક સ્થળોએ દૂધ વિતરણ કરતાં વાહનોને અટકાવી વિરોધ કરી રહેલાએ હજારો લિટર દૂધને જાહેર રસ્તા પર ઢોળી દીધાની પણ ઘટનાઓ બની છે.
પિતૃપક્ષમાં શ્રાદ્ધમાં દૂધ મેળવવા લોકોને રીતસર વલખાં મારવાં પડ્યાં છે.
જો કે ડેરીના દૂધનું વિતરણ આજે શહેરમાં ચાલુ રહેતા સાવ દૂધ ન મળે તેવી સ્થિતિ સર્જાઇ ન હતી.
વળી ગઇ કાલથી જ દૂધ માટે ભય ફેલાતા લોકોએ જરૂરથી વધુ દૂધની ખરીદી ગઇ કાલ સાંજથી કરી નાખી ઘરે સ્ટોક કરી નાખ્યો હતો.
આથી સર્વાત્તમ ડેરી દ્વારા ભાવનગર શહેરમાં અમૂલ દ્વારા દૂધનું વિતણ થાય છે
સામાન્ય વિતરણથી 15 હજાર લિટર વધુ વિતરિત થયું હતુ.
સામાન્ય સંજોગોમાં ભાવનગર શહેરમાં 1.40 લાખ લિટર દૂધનું વિતરણ ડેરી દ્વારા થાય છે
તેના બદલે આજે 1.45 લાખ લિટર દૂધનું વિતરણ થયું હતુ.
જો કે સર્વોત્તમ ડેરીમાં સમગ્ર જિલ્લામાંથી રોજ 1.30 લાખ લિટર દૂધ ભેગું થાય છે
પણ આજે હડતાલ હોય માત્ર 2 હજાર લિટર જ દૂધ આવ્યું હતુ.
જો કે આજે ઘરે ઘરે ફરીને દૂધનું વિતરણ કરતા માલધારીઓએ ગજબની એકતા દર્શાવી હતી અને ક્યાંય ઘરે દૂધનું વિતરણ થયું ન હતુ.
જેથી શ્રાદ્ધ પક્ષમાં ઘરે દૂધપાક કે ખીર બનાવવા માટે દૂધ લેવાની દોડધામ સવારથી જ શહેરમાં જોવા મળી હતી.
ભાવનગર શહેરમાં તો ગઈકાલ રાતથી લોકોએ ગઈકાલ સાંજથી જ દૂધની બલ્કમાં ખરીદી કરવા માંડી હતી.
જે લોકોને સામાન્ય દિવસોમાં 3 થેલી જોઈએ તેઓ 6 થેલી લઈ જતા હતા.
ભાવનગરમાં કેટલાક દૂધ-વિક્રેતા સ્વૈચ્છિક દૂધનું વેચાણ ન કરવાનું ટાળ્યું હતુ.
સિહોરમાં આવેલી સર્વોત્તમ ડેરી કે જે અમૂલ વતી ભાવનગરમાં જિલ્લાભરમાંથી દૂધ એકત્ર કરે છે
તેના અધિકારીએ જણાવ્યું હતુ કે અમે રોજ ભાવનગર શહેરમાં 1.30 લાખ અને ભાવનગર તથા બોટાદ જિલ્લામાં કુલ 2.80 લાખ લિટર દૂધનું અમૂલ દ્વારા વિતરણ કરીએ છીએ.
ગઇ કાલ સાંજથી જ લોકોએ ખરીદી વધારતા અમે સ્ટોક પૂરો પાડ્યો હતો
અને આજે ભાવનગર શહેરમાં અમૂલ સહિત ડેરીઓનું કુલ 1.30 લાખને બદલે 1.ફ45 લાખ લિટર દૂધનું વિતરણ થયું હતુ.
સર્વોત્તમ ડેરીના એક વાહનને તળાજાના દિહોર પાસે અટકાવીને તેમાં રહેલું દૂધ 20થી 25 માણસોના ટોળાએ ઢોળી નાખ્યું હતુ
તેમ પણ જણાવ્યું હતુ. બાકી અમૂલ અને માહિ ડેરીના દૂધનું વિતરણ થયું હતુ.
દૂધ માટે સવારથી જ દૂધ પાર્લર કે અન્ય કરિયાણાની દુકાન પર લાઈનો લાગી હતી,
પરંતુ દૂધનો સ્ટોક ન હોવાથી ગ્રાહકોએ ખાલી હાથે પરત પડ્યું હતું. દૂધ ન મળવાની શક્યતાને કારણે ગ્રાહકોએ પણ વધુ પ્રમાણમાં દૂધ ખરીદી લીધું હતું.
એકને બદલે બે દૂધની થેલીઓ ખરીદતા ગ્રાહકો જોવા મળ્યા હતા.
અમૂલની ગાડીને અટકાવીને દૂધની થેલીઓ તોડી નદીના પાણીમાં ફેંકી
તળાજા તાલુકાના દિહોર ગામે સાંજના સમયે અમૂલ દૂધની ગાડી થેલાના પેકીંગ ઉતારવા માટે આવી હતી
પરંતુ માલધારી સમાજના કેટલાક લોકોએ આ ગાડીને આંતરીને તેમાંનું દૂધ ઢોળી નાખ્યું હતું.
દિહોરના મામોસીયા નદીના પૂલ પરથી દૂધની થેલીના પેકીંગ તોડી નખાતા પૂલ પર દૂધ વહેવા લાગ્યું હતું અને કેટલીક દૂધની થેલીઓ પાણીમાં નાખી દીધી હતી.
આમ દૂધ તેના સ્થાને પહોંચે તે પહેલા જ ઢોળી નખાયુ હતું.
સર ટી. હોસ્પિટલમાં 500 લિટર દૂધપાકનું વિતરણ કરાયું
ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં માલધારી સમાજ દ્વારા 500 લિટર દૂધનો દૂધપાક બનાવીને વિતરીત કરાયો હતો.
આ ઉપરાંત નાના બાળકોને દૂધપાક સહિતનું ભોજન પિરસાયું હતું. ભાવનગરમાં માલધારી સમાજે દૂધ નહિ વેચીને આ કાર્ય કર્યું હતુ.
ભાવનગર શહેરમાં જેના ઘરે શ્રાદ્ધ હતુ તે મનસુખભાઇ ભટ્ટે જણાવ્યું હતુ કે આજે મારા દાદાનું શ્રાદ્ધ છે
તો દૂધપાક બનાવવા દૂધની જરૂર પડે. અમે સવારથી જ ઘરના લોકો અલગ-અલગ જગ્યાએ દૂધ મળે એ માટે ધક્કા ખાઈ રહ્યા છીએ,
પરંતુ શહેરમાં દૂધ નથી એવાં પાટિયાં લાગ્યાં છે. હવે શ્રાદ્ધ પક્ષમાં જ દૂધની આવી અછત થાય તો કામ કઈ રીતે ચલાવવું.
જો કે આખરે બપોરે 1.30 કલાકે ડેરીનું દૂધનું વાહન આવ્યા બાદ દૂધની થેલી મળતા શાંતિ થઇ હતી.
જો કે આ પહેલા દોઢ કલાક સુધી શહેરમાં જુદા જુદા સ્થળોએ ધક્કા ખાધા હતા.