વાપીમાં કારનો કાચ તોડી લેપટોપ- 125 ચશ્માની ચોરી
વાપી કોપરલી રોડ ઉપર કાર પાર્ક કરી ચશ્માની દુકાને જનારા વેપારીની કારનો કાચ તોડી અજાણ્યો ઇસમ લેપટોપ અને ચશ્મા ભરેલી બેગ ચોરીને ફરાર થતા
વેપારીએ આ અંગે ટાઉન પોલીસમાં રૂ.3.70 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ ખાતે સેવી સ્વરાજ ટાઉનશીપ ગોતા જગતપુર રોડ ઉપર રહેતા અને ચશ્માની ફ્રેમના ઓર્ડર લઇ ધંધો કરતા
વિશાલ રામાકાંત નગરશેઠ બુધવારે વાપી આશાધામ સ્કૂલના ગેટની બાજુમાં પોતાની હોન્ડા કાર નં.જીજે-06-સીએમ-1781 પાર્ક કરી કે.બી.વિઝન ચશ્માની દુકાનમાં ફ્રેમના ઓર્ડર લેવા માટે ગયા હતા.
જ્યાંથી પરત કાર પાસે આવતા ડાબી બાજુના પાછળના દરવાજાનો કાચ તૂટેલ હાલતમાં દેખાતા અંદર ચકાસણી કરતા લેપટોપ,
ચાર્જર, બારકોડ સ્કેનર તથા ફોનના ચાર્જર કિં.રૂ.70,000 અને કપડાની બેગની સાથે પુમા સનગ્લાસ નંગ-125 કિં.રૂ.3,00,000 મળી કુલ રૂ.3.70 લાખ કોઇ ઇસમ કાચ તોડી ચોરી કરીને નાસી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
જેને લઇ વાપી ટાઉન પોલીસ મથકમાં શુક્રવારે અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વાપી ટાઉન પોલીસે આશાધામ સ્કૂલના ગેટ ઉપર લગાવેલા તેમજ સામેની સાઇડમાં આવેલ તમામ દુકાનોના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
તેના આધારે તસ્કર સુધી પહોંચવાની કવાયત હાથ ધરાઇ છે.