ગાંધીનગર કોર્ટમાં મુદ્દત ભરવા આવેલી મહિલા વકીલને કિન્નરનાં ઘરે રોકાવું ભારે પડયું; પ્રેમ લગ્નમાં ભંગાણ પડતાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે
ગાંધીનગર કોર્ટમાં પતિ વિરુદ્ધ ખાધા ખોરાકીના ચાલતાં કેસની મુદત ભરવા આવેલી મહિલા વકીલને પરિચિત યુવાનની મારફતે તાંત્રિક વિધિ કરવા કિન્નરનાં ઘરે રાત્રિ રોકાણ કરવાનું ભારે પડી ગયું છે.
કલોલમાં કિન્નરનાં ઘરે રાત્રિ રોકાણ કર્યા પછી સવારે નાસ્તો કરીને પરિચિત યુવાને આપેલું પાણી પીધાનાં ગણતરીની મિનિટોમાં તબિયત લથડતા મહિલા વકીલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી છે.
આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોર્ટમાં મુદ્દત ભરવા માટે પૂજા ગાંધીનગર આવી હતી
નવસારી જિલ્લાનાં તીગ્રા ગામમાં રહેતી વકીલાત કરેલી પૂજાએ(નામ બદલેલ) વર્ષ 2016માં કલોલના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં.
જો કે સમય જતાં પ્રેમ લગ્નમાં ભંગાણ પડતાં પૂજાએ પતિ વિરુદ્ધ ગાંધીનગર કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ દાખલ કર્યો હતો.
જે અન્વયે 3જી ઓક્ટોબરના રોજ કોર્ટમાં મુદ્દત ભરવા માટે પૂજા ગાંધીનગર આવી હતી. ત્યારે પૂજા રાયસણ ખાતે રહેતી બહેનપણીનાં ઘરે રોકાઈ હતી.
પૂજાએ રાત્રી રોકાણ વડતાલની ધર્મશાળામાં જ કર્યું હતું
ત્યારે છેલ્લા 4 મહિનાથી પરિચયમાં આવેલા વેંકટેશે ફોન કરીને કહેલું કે, એક સારા માતાજી (કિન્નર)ને ઓળખે છે.
જો પતિ સામે ચાલતાં કેસમાં કોઈ તકલીફ હોય તો કલોલ આવજે તેમ વાત કરી હતી.
જેથી 4/10/2022ના રોજ પૂજા પટેલ ગાંધીનગર કોર્ટની મુદત માટે ગાંધીનગર આવી હતી,
એ વખતે વેંકટેશનો ફોન પૂજા ઉપર આવેલો હતો અને આશરે 4:30 વાગે વેંકટેશ પૂનમને મળવા ગાંધીનગર ખાતે ગયો હતો.
અને વેંકટેશે પુજાને માતાજી ( કિન્નર )ને મળવાની વાત ફરીથી કરી હતી.
જેથી પુજાને માતાજીને મળવા માટે આવતીકાલે આવીશ એવું વેંકટેશને જણાવ્યું હતું.
ત્યારબાદ વેંકટેશ ત્યાંથી નીકળી ગયો હતો.
અને પૂજાને તેમજ તેમની એક સ્ત્રી મિત્ર સાથે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગયા હતા અને રાત્રી રોકાણ વડતાલની ધર્મશાળામાં જ કર્યું હતું.
વેંકટેશે પૂજાની ઓળખાણ માતાજી ( કિન્નર ) સાથે કરાવી હતી
બીજા દિવસે તારીખ 5/10/2022ના રોજ સવારમાં વેંકટેશેનો ફોન પૂજા ઉપર ફરીથી આવ્યો હતો.
પૂજાએ વેંકટેશને જણાવ્યું કે, હું અમદાવાદ આવી રહી છું.
તું મને અમદાવાદ લેવા આવજે. ત્યારબાદ પૂજા તેની સ્ત્રી મિત્ર સાથે વડતાલથી બસમાં બેસીને અમદાવાદના નારોલ ખાતે બસમાંથી ઉતરી ગયા હતા
અને આશરે દસેક મિનિટ બાદ નારોલ ખાતે પૂજાને લેવા વેંકટેશ આવી ગયો હતો.
વેંકટેશની મોટરસાયકલ પાછળ પૂજા બેસીને કલોલ-મહેસાણા હાઇવે પર આવેલા અંબિકાનગર પાસે દશામાના મંદિરે ગયો હતો
અને ત્યાં વેંકટેશે પૂજાની ઓળખાણ માતાજી ( કિન્નર ) સાથે કરાવી હતી.
એ દિવસે પૂજા માતાજીના ઘરે જ રોકાઈ હતી. જેમાં માતાજીએ પૂજા સાથે પૂજાના વતન જવાનું જણાવ્યું હતું.
જેથી બીજા દિવસે 6/10/22ના રોજ પૂજા તથા વેંકટેશ તથા માતાજી તેમજ માતાજીનો ડ્રાઇવર માતાજીની ગાડી લઈને પૂજાના વતન નવસારી ખાતે ગયા હતા.
પૂજાના વતન નવસારીમાં પૂજાવિધિ કરી રાત્રિના આશરે 11 વાગે તેઓ કલોલ પરત ફર્યા હતા.
અચાનક ભાન આવતા પૂજાને શરીરે અશાંતી જેવું લાગ્યું
જેથી એ દિવસે પણ પૂજા તેમજ વેંકટેશ માતાજીના ઘરે રોકાયા હતા.
બીજા દિવસે તારીખ 7/10/22ના રોજ સવારે આશરે 7 વાગે પૂજા જાગી હતી.
જેથી સવારે માતાજી તેમજ માતાજીના પિતા તથા વેંકટેશ અને પૂજાએ સવારે પૌવાનો નાસ્તો જોડે કર્યો હતો. બાદમાં માતાજીને કામ હોવાથી તે બહાર નીકળી ગયા હતા.
જ્યારે પૂજા બધાની વચ્ચે બેઠી હતી તે સમયે વેંકટેશ પૂજા માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યો હતો.
જે પાણી પીધા બાદ શું થયું તે પૂજાને યાદ નથી. બાદમાં પૂજાને ભાન આવતા પૂજાને શરીરે અશાંતિ જેવું લાગ્યું તેમ જ ગભરામણ થવા લાગી.
માટે પૂજાએ રાત્રિના 7-8 વાગે 108ને ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી.
એમ્બ્યુલન્સમાં બેસીને પૂજા કલોલ શહેરની સરકારી સિવિલમાં સારવાર અર્થે ગઈ હતી.
પૂજાએ વેંકટેશ વિરૂદ્ધ કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
સારવાર લીધા બાદ પૂજા ફરીથી માતાજીના ઘરે ગઈ. માતાજીના ઘરે ગયા બાદ પૂજાને ફરીથી અશક્તિ જેવું લાગતા 108ને ફોન કર્યો હતો.
તે સમય માતાજીએ પૂજાને સારવાર અર્થે લઈ જવાનું જણાવ્યું હતું.
જેથી પૂજાએ 108ને ના પાડી અને બાદમાં માતાજી તેમની ગાડીમાં પૂજાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મૂકી, માતાજીને ગિરનાર કામ હોવાથી તેઓ નીકળી ગયા હતા.
બાદમાં પૂજાએ વેંકટેશ ઉપર પાણીમાં કંઈક મિલાવીને પીવડાવી દેવાની ફરિયાદ કલોલ શહેર પોલીસમાં નોંધાવી હતી.
જેમાં કલોલ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી ખાંભલાના જણાવ્યા અનુસાર પૂજાને દાખલ કરવામાં આવી છે.
જેથી વધુ પૂછતાછ થઈ નથી. આવતીકાલે સમગ્ર પૂછતાજ કર્યા બાદ વધુ વિગતો જાણવા મળશે.
પૂજા અને વેંકટેશ પરિચયમાં કેવી રીતે આવ્યા એ બાબતે વધુ પૂછતાછ કરવામાં આવશે.