ભાજપે નિરીક્ષકોના પ્રવાસની તારીખો જાહેર કરી, પણ ભડકો થવાના ડરે નામ બાકી રાખ્યા

ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આગામી 27, 28 અને 29 ઓક્ટોબર દરમિયાન એટલે કે નવા વર્ષના બીજા દિવસથી જ નિરીક્ષકો અલગ-અલગ વિધાનસભા બેઠકો પર ચૂંટણી માટે
ટિકિટની દાવેદારી કરવા માગતા લોકોને સાંભળશે તેવી જાહેરાત કરી દીધી છે,
પરંતુ આ નિરીક્ષકોના નામની યાદી જાહેર કરાઈ નથી.
ભાજપના સૂત્રો જણાવે છે કે નામ જાહેર કરવામાં મોટો ભડકો થાય તેવી શક્યતાને આધારે પ્રદેશ ભાજપે આ નામો જાહેર કરવાનું હાલ મુનાસીબ માન્યું નથી.
ભાજપના સૂત્રો જણાવે છે કે, આ નામોની યાદી તૈયાર થઇ ગઇ છે,
પરંતુ જે લોકો નિરીક્ષકો તરીકે મુકાય તેમને ચૂંટણી લડવાની રહેતી ન હોવાથી તેમના નામ જાહેર થતાં મોટી માથાકૂટ થઇ શકે છે.
આ ઉપરાંત જેમને પાર્ટી ટિકિટ આપવા નથી માગતી તેમનું આ યાદીમાં હોવું તેમના માટે સંકેત ગણી શકાય.
હાલ જેમને નિરીક્ષક તરીકે મૂકવાના છે
તેમને કોઇ રીતે મનાવી લેવા માટેની પદ્ધતિ વિચારાઈ રહી છે.
કેટલાંક લોકોને પ્રદેશ કક્ષાએથી તેમનું નામ જે-તે બેઠકના નિરીક્ષકોની યાદીમાં સમાવાયાની જાણ કરાઈ રહી છે.
નિરીક્ષકોને ત્રણથી પાંચ બેઠકોની જવાબદારી સોંપાશે
હાલ ભાજપે યાદી જાહેર નથી કરી
પરંતુ આ યાદીમાં પ્રદેશ સંગઠનના કે પ્રદેશ સ્તરના એક નેતા, ભૂતપૂર્વ ધારાસભ્ય કે ભૂતપૂર્વ મંત્રી ઉપરાંત જિલ્લા કે શહેર સંગઠનના હોદ્દેદારોના નામ હોઇ શકે છે.
આ નિરીક્ષકોને વિધાનસભાના ક્લસ્ટર પ્રમાણે જવાબદારી સોંપાશે અને તેઓ ત્રણથી પાંચ બેઠકો માટે દાવેદારોને સાંભળશે.
તેઓ સમીકરણો જાણવા માટે સ્થાનિક સંગઠનના હોદ્દેદારોને પણ સાંભળશે.
પાટીલને ત્યાં બેઠક બાદ નામ ફાઈનલ થયા
બુધવારે બપોર બાદ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના ગાંધીનગરમાં આવેલા બંગલે છ કલાક સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો,
જેમાં પ્રદેશના મહામંત્રીઓ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.
અહીં જ તેમણે દરેક બેઠકો માટે નિરીક્ષકોના નામ નક્કી કરીને તેમના પ્રવાસનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.