લીલિયામાં 2 ઇંચ, રાજુલામાં પણ અડધો ઇંચ વરસાદ
માતાજીની આરાધના શરૂ થતાની સાથે જ આકાશમાથી અમૃતધારા વરસવાનુ શરૂ થયુ છે.
અમરેલી જિલ્લામા હજુ પણ કપાસના પાકને વરસાદની જરૂર છે. તેવા સમયે હાથીયો નક્ષત્રમા વરસાદનુ આગમન થયુ છે.
ગઇકાલે સાવરકુંડલા પંથકમા અડધો ઇંચ અને બાબરાના ગ્રામ્ય વિસ્તારમા અડધો ઇંચ વરસાદ થયા બાદ રાતના સમયે લીલીયા પંથકમા ધોધમાર વરસાદ તુટી પડયો હતો.
જેને પગલે અહી બે ઇંચ પાણી પડી ગયુ હતુ. ભારે વરસાદને પગલે અહીની બજારમાથી પણ પાણી વહેવા લાગ્યા હતા.
અમરેલીમા પણ રાતના સમયે અડધી કલાક સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો.
જેના કારણે નવરાત્રીની જયાં ઉજવણી ચાલી રહી છે તે તમામ ગ્રાઉન્ડ ભીના થઇ ગયા હતા. આજે રાજુલામા પણ અડધો ઇંચ વરસાદ થયો હતો.
નવરાત્રીમા વરસાદના આગમનને પગલે ખાસ કરીને લીલીયામા રાસગરબાની ઉજવણી અટકી પડી હતી.
અહી બે ઇંચ જેવો વરસાદ હોવાના કારણે મોટાભાગના આયોજનના સ્થળે લોકો રાસ ગરબા લઇ શકયા ન હતા.
અમરેલીમા પણ વરસાદને પગલે ગરબા મોડેથી શરૂ થયા હતા. આજે બીજા દિવસે સાંજે પણ અમરેલીમા હળવા છાંટા પડયા હતા.
ગ્રામ્ય વિસ્તારોમા પણ છુટાછવાયા વરસાદને પગલે ગરબીના સ્થળોએ માત્ર માતાજીની આરતી કરી લેવામા આવી હતી.
આજે આખો દિવસ અમરેલીમા છુટાછવાયા વાદળો નજરે પડયા હતા અને સાંજના સમયે ઘનઘોર વાદળો ચડી આવ્યા હતા.
હાલમા મગફળીનો પાક તૈયાર થવાની અણીએ છે ત્યારે મગફળીના પાકને તો પાણીની વિશેષ જરૂર નથી
પરંતુ આ છુટાછવાયા વરસાદથી કપાસના પાકને જરૂર ફાયદો થશે.
વરસાદને પગલે લોકોની ભીડ પણ ઓછી રહી
અમરેલીમા રાત્રીના સમયે વરસાદ તો વધુ ન હતો
પરંતુ ધીમીધારે સતત વરસાદ હોય લોકોએ બહાર નીકળવાનુ ટાળ્યું હતુ.
જેને પગલે કેટલાક સ્થળે તો ગરબા મુલતવી રખાયા હતા.
જયારે કેટલાક સ્થળોએ લોકોની ભીડ ઓછી જોવા મળી હતી.